- રાજપુર ગામના ખેડૂતે બાગાયતી ખેતી દ્વારા કરી સરગવાની ખેતી
- બાગાયત વિભાગના અધિકારીની સલાહ મુજબ નવતર પ્રયાસ કર્યો
- 6 મહિનામાં જ પાક થઈ જાય છે તૈયાર
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુર ગામના ખેડૂતે બાગાયતી ખેતી દ્વારા સરગવાની ખેતી કરી છે. પ્રારંભમાં જુની ખેતીમાં ઉત્પાદન અને ભાવ ન મળતા કંઈક નવું કરીએ એ વિચારીને સુરેશભાઈએ પોતાની જમીનમાં સરગવાની ખેતી કરી છે. જે ફક્ત 4,000 રુપિયાના બીજ થી 10 વીઘા જમીનમાં રોપી શકાય છે. જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીની સલાહ સુચન અને માર્ગદર્શન મેળવી સરકારની યોજનાઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણના આધારે સુરેશભાઈએ આ નવતર ખેતી કરી છે.

સરગવાની સીંગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ વપરાય
સુરેશભાઈના જણાવ્યાં મુજબ સરગવાના બીજ રોપ્યાના 6 જ મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. સરગવાની સીંગ શાક બનાવવા તેમજ આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ વપરાય છે. સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ પાકને વેચવા જવો પડતો નથી, પરંતુ મુંબઈ, વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી વેપારીઓ ખુદ લેવા માટે આવે છે.

USમાં મલ્ટી વિટામીન તરીકે ઉપયોગ કરવામાં આવે છે
વડોદરા શહેરમાંથી સરગવાને ખરીદવા આવેલા ઝુબેન પટેલે જણાવ્યું કે, સરગવાના પાનનો US માં મલ્ટી વિટામીન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેના પાન, ફુલ અને કડીનો પાવડર બનાવી સેવન કરાય છે અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે. એટલે આમ તો આ એક મેડીસીન ટ્રી પણ કહેવાય છે.