- જિલ્લામાં ટુંક સમયમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટીંગ લેબ અને ઓકિસજન જનરેટ પ્લાન્ટ શરૂ થશે
- 18 વર્ષથી ઉપરની ઉમંરના લોકોએ નોંધણી કરાવી વેક્સિન લેવા અનુરોધ કર્યો
- જિલ્લામાં કોવિડની સ્થિતિ અંગે થઇ ચર્ચા
મહીસાગર: જિલ્લામાં લુણાવાડા બાવન પાટીદાર સમાજ ઘર ખાતે રાજ્ય કક્ષાના કૃષિ, પંચાયત અને જિલ્લા પ્રભારી પ્રધાન જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં કોવિડ-19 નિયંત્રણ,સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સારવાર અંગે સમિક્ષા બેઠક કોવિડ ગાઇડલાઇન અનુસરીને યોજાઇ હતી. આ બેઠકમાં પ્રભારી પ્રધાને જણાવ્યું હતું કે કોરોના સામે ગુજરાત સરકાર કામ કરી રહી છે. સમગ્ર દેશની સાથે સાથ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે ટેસ્ટિંગ અને ટ્રેકિંગની કામગીરીને વધુ અસરકારક બનાવી છે. મહિસાગર જિલ્લામાં પણ આ કામગીરી અસરકારક રીતે થાય અને કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં તેમણે કોરોના સંકટ કાળમાં અવિરત કાર્ય કરતા કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવતા કોવિડ-19 નિયંત્રણ, સર્વેલન્સ, ટેસ્ટિંગ અને સારવાર અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન કરી તંત્રના પ્રયાસો અંગે સંતોષ વ્યકત કર્યો હતો. તેમણે ટૂંક સમયમાં જિલ્લામાં RTPCR ટેસ્ટિંગ લેબ અને ઑકિસજન જનરેટ પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે તે અંગે માહિતી આપી હતી. સાથે સાથે તેમણે રસીકરણ ઝુંબેશ પર ભાર મુકતા 18 વર્ષથી ઉપરની ઉમરના લોકોએ નોંધણી કરાવી અવશ્ય વેકિસન લેવા અનુરોધ કર્યો હતો.
વધુ વાંચો: તંત્રએ જાહેરનામાનો ભંગ કરતા હીરાના કારખાનાના 9 યુનિટોને સિલ કર્યા
કોરોના સંક્રમણ થતું અટકાવવા સતત પ્રયત્નો
જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જિલ્લામાં અત્યાર સુધીના કોરોના કેસો અને સાજા થયેલા કુલ કેસો, પ્રવર્તમાન વધી રહેલા કોરોના કેસોની સામે દર્દીઓને અપાતી સારવાર અંગેની જાણકારી આપી હાલની કોરોના પરિસ્થિતિથી જિલ્લા પ્રભારી પ્રધાને વાકેફ કર્યા હતાં. જિલ્લામાં ચાલતી કોરોના વિરોધી રસીકરણ કામગીરી અંગે જાણકારી આપી હતી. વધુમાં જિલ્લામાં ગામડાથી માંડી શહેરના નાગરિકોમાં કોરોના સંક્રમણ થતું અટકાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. રસીકરણ અંગે નાગરિકો પણ જાગૃત થઇ સહભાગી થાય તો આ મહામારીમાંથી નાગરિકોને બચાવી શકીશું તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
સ્થિતિ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી કર્યા જરૂરી સૂચનો
આ સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વર્તમાન પરિસ્થિતિ અંગે સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના બેડની વ્યવસ્થા, ઑક્સિજનની સગવડતા, દવાનો જથ્થો, ડૉકટર્સની વ્યવસ્થા, અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી, વેક્સિનેશન, ટેસ્ટિંગ વગેરે બાબતોની જિલ્લા પ્રભારી પ્રધાને ઝીણવટભરી સમિક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
વધુ વાંચો: ફેફસાંમાં 80 ટકા ઈન્ફેક્શન બાદ 15 દિવસ બાયપેપ પર રહીને યુવકે આપી કોરોનાને આપી મ્હાત
બેઠકમાં કલેક્ટર સહિતના અધિકારીઓ રહ્યાં હતાં ઉપસ્થિત
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા પોલીસ વડા આર.પી.બારોટ, નિવાસી અધિક કલેક્ટર આર.આર.ઠકકર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કેજાદવ, આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહ, સહિત પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.