તો આ વખતે ભાજપ દ્વારા કદાવર ગણાતા નેતા એવા પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાની અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટીકીટ આપીને સૌને ચોકાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાછલી 2 હારમાંથી કદાચ બોધપાઠ શીખીને મોરવા હડફના કોંગ્રેસી નેતા વેચાતભાઈ ખાંટને મેદાને ઉતાર્યા છે. તો બક્ષીપંચ અને ક્ષત્રિય મતદારો ધરાવતી આ બેઠક પર કુલ 6 ઉમેદવારો ફાઇનલ થયા છે. આ વખતે 2 નવા નિશાળીયાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે.
![વી.કે ખાંટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3007823_vk.jpg)
મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી પંચમહાલની લોકસભા બેઠક ઉપર આ વખતે બે નવા નિશાળીયાઓ વચ્ચે સીધો જંગ ખેલાવાનો છે. જિલ્લાનું વડુ મથક એવા ગોધરા 2002માં ટ્રેનકાંડ બાદ દુનિયાભરમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું હતુ. પંચમહાલ લોકસભા બેઠકમાં મોરવા હડફ, ગોધરા, શહેરા, કાલોલ, ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા સહિતના સાત વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમા શહેરા, ગોધરા, કાલોલમાં ભાજપ અને મોરવા હડફમા કોંગ્રેસની બેઠકો છે. મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં અપક્ષ બાલાસિનોરમાં કોંગ્રેસ અને ખેડાના ઠાસરામાં પણ કોંગ્રેસનું પ્રભૂત્વ છે. આમ ભાજપ પાસે અપક્ષ મળીને 4 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. જો કે લોકસભાની ચૂંટણીમાં મતદારોનો મિજાજ વિધાનસભા ચૂંટણી કરતા અલગ હોય છે.
પંચમહાલ લોકસભા બેઠક પર પાછલા 4 ટર્મથી ભાજપનું શાસન છે. જેમાં 1999 અને 2004માં ભુપેન્દ્રસિંહ સોલંકી અને 2009 અને 2014માં પ્રભાતસિંહ ચૌહાણે જીત મેળવી છે. તો આ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપી નાંખવામાં આવતા પંચમહાલની રાજનિતીમાં ગરમાવો આવ્યો હતો. જો કે ટિકિટ કપાતા પ્રભાતસિંહ નારાજ પણ થયા હતા. ત્યારબાદ માની પણ ગયા હતા. ભાજપે આ વખતે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે. જેમણે 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક જીત્યાબાદ ભાજપને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. પણ મુળ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને રાજકારણમાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી વિધાનસભા ચૂંટણી વખતે કરી હતી. જીતીને ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. હવે ભાજપે તેમને ટિકિટ આપી છે.
![રતનસિંહ રાઠોડ લોકસભા ઉમેદવાર ભાજપ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3007823_ratan.jpg)
તો કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઈ ખાંટ પાછલા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા છે. તેમનો પુત્ર ભુપેન્દ્ર ખાંટ મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. પોતે મોરા તાલુકા પંચાયત બેઠક ઉપરથી 2002માં ચૂંટાયા હતા. આ સિવાય કોઇ ચૂંટણી લડવાનો તેમને અનુભવ નથી. પણ મોરવા હડફ વિસ્તારમાં સારી એવી પકડ ધરાવે છે. આથી કોંગ્રેસે ટિકિટ આપી છે.
પંચમહાલ લોકસભા વિસ્તારની સમસ્યા પંચમહાલ જિલ્લો ખાસ કરીને ખેતી પ્રધાન જિલ્લો છે. અહિં પાનમ ડેમ જેવી મહત્વની સિંચાઈ યોજના છે. ત્યારબાદ નાની સિંચાઈ યોજનાઓ પણ અમલી છે. પાનમ હાઈલેવલ પ્રૉજેક્ટ પણ અમલી છે. પણ જિલ્લાના પશ્ચિમ વિસ્તારને યોજનાનું પાણી મળે છે. પણ જે તાલુકાના પાનમ સિંચાઈ યોજના આવેલી છે. તે શહેરા તાલુકાના પુર્વ વિસ્તારમાં ખેડુતોને સિંચાઈનું પાણી ન મળતું હોવાની બુમો ઉઠતી રહે છે. ગોધરા શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન ખાતે મહત્વના સ્ટોપેજ, ગોધરા શહેરમાં રેલ ફાટકની માંગ, મહીસાગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ રેલ્વે લાઈન, મનરેગા યોજનામાં પણ કામ નથી મળતું હોવાની તેમજ તેમાં JCB મશીનોથી કામો થવાની પણ મહિલા સંગઠનોની બુમો ઉઠતી રહે છે. અહિં બેરોજગારીની પણ સમસ્યા છે. ગોધરા GIDCમાં પણ કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં છે. આમ ઘણા પ્રશ્નો હજી પણ છે.
આમ પંચમહાલ લોકસભા બેઠકમાં બક્ષીપંચ ક્ષત્રિય વોટ જે ઉમેદવારને મળશે તેજ જીતનો મુકટ પહેરશે.પણ મતદારોનો મિજાજ કોના તરફ છે તે જોવુ રહ્યુ.