પ્રાપ્ત માહિતી મુજબ મહિસાગર પંથકના લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, ખાનપુર, સંતરામપુર, અને કડાણા સહિત વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે પણ વરસાદ નહિવત પડવાને કારણે ખેડૂતોનું આર્થિક ભારણ વધતું જાય છે. બાલાસિનોર તેમજ વિરપુર તાલુકામાં વરસાદ નહિવત રહેતા કપાસ, જુવાર, હુંડિયું, દિવેલા અને ચોમાસુ બાજરી સહિતના પાક નિષ્ફળ જવાની દહેશત ફેલાઈ છે. તો પશુઓ માટે ઘાસચારો પણ મોંઘો થતા ખેડૂત માટે મુશ્કેલીમાં વધારો થયો છે. ગત વર્ષમાં વરસાદ ઓછો પડતાં જિલ્લાના વિરપુર તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરાયો છે.
ચાલુ વર્ષે પણ ખેડૂતોએ કપાસ, બાજરી, દિવેલા, તલ અને મકાઈના પાકનું વાવેતર કર્યું છે. જેમાંના કેટલાક ઉગી નીકળેલા છોડ વરસાદ ન પડતા પીળા થયા છે. જો દશ દિવસમાં વરસાદ ન થાય ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે.