- 140 પુસ્તકોમાં શ્રેષ્ઠ કવિતા, લલિત, ચિંતનાત્મક નિબંધોના પુસ્તકો આપ્યા
- સરકાર દ્વારા બે વખત વિરલ સાહિત્યક પ્રતિભાવ માટે સન્માન
- ભારત સરકારે સાહિત્ય-કેળવણીના અર્પણ માટે 2011માં પદ્મશ્રીથી વિભૂષિત કર્યા
મહીસાગર: લુણાવાડામાં રહેતા એવા ગુજરાતી ભાષાના સાહિત્ય સર્જક કવિ, વિવેચક, નિબંધકાર, સંશોધક, અનુવાદક પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીની બહુમૂલ્ય સાહિત્ય સેવાને લક્ષમાં લઇ ગુજરાતની જાણીતી સાહિત્ય સંસ્થા નર્મદ સાહિત્યસભા, સુરત દ્વારા પ્રતિષ્ઠિત નર્મદ ચંદ્રકથી સન્માનીત કરાયા છે. જેમાં દર પાંચ વર્ષે અપાતા પ્રતિષ્ઠિત નર્મદચંદ્રક પદ્મશ્રી ડૉ.પ્રવીણ દરજીને આપવાનું ઠેરવ્યું છે.
ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મળ્યા છે અનેક એવોર્ડસ્
નિબંધ પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ડો. પ્રવીણ દરજીને ગુજરાત અને અન્ય રાજયોનાં અનેક એવોર્ડ્ઝ, પરિતોષીકો અને સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારે પણ તેમનું બે વખત વિરલ સાહિત્યક પ્રતિભાવ માટે સન્માન કર્યું છે અને UGCએ તેઓને એમિરીટ્સ પ્રોફેસરશીપ આપી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત ગુજરાતી ભાષા સર્વોચ્ચ રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ તેઓ અલંકૃત થયા છે. 140થી વધુ પુસ્તકોના આ સર્જકનાં અનેક પુસ્તકો રાજ્ય અને રાજ્ય બહારની યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં મૂકાતા રહ્યા છે. ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડથી પણ તેમની નવાજીશ થઈ છે. ભારત સરકારે સાહિત્ય-કેળવણીના તેમના યશસ્વી અર્પણ માટે 2011માં પદ્મશ્રીથી વિભૂષિત કર્યા છે ત્યારે હાલમાં પ્રતિષ્ઠિત નર્મદચંદ્રક તેમની યશકલગીમાં ઓર એક પીંછું ઉમેરાયું છે.