મહીસાગર: કોરોના વાઇરસની બીમારી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેલાય નહીં તે માટે રાજ્ય સરકાર સતર્ક છે. રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર મહીસાગર જિલ્લાના પુનાવાડા ગામ પાસે આવેલી છે. આ બોર્ડરનો ગુજરાત અને રાજસ્થાનના લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા માટે ઉપયોગ કરે છે.
રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં 2 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ડુંગરપુર મહીસાગર જિલ્લાના પુનાવાડા ગામથી ફક્ત 40 કિમિ દૂર આવેલું છે. કોરોના વાઇરસની મહામારીનો ફેલાવો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અટકાવવા મહીસાગર જિલ્લામાં પૂનાવાડા પાસે આવેલી રાજસ્થાન ગુજરાતની સીમા પર પ્રવેશ અટકાવવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લામાંથી રાજસ્થાનમાં પ્રવેશ કરવામાં આવતા તમામ રસ્તા પર રાજસ્થાન સરકાર દ્વારા મોટા મોટા માટીના ઢગલા કરવામાં આવ્યા છે. જેથી કોઈ પણ પ્રકારના વાહન વ્યવહાર દ્વારા ગુજરાતના નાગરિકો રાજસ્થાનમાં અને રાજસ્થાનના નાગરિકો ગુજરાતમાં પ્રવેશ કરી શકે નહીં અને કોરોના વાઇરસની મહામારી ફેલાતી અટકાવી શકાય.