ખાનપુર તાલુકાના લંભો ગામની આંગણવાડીના કેન્દ્રમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ હેલ્પ ટીમે બાળકોનું મેડીકલ ચેકઅપ કર્યુ હતું.
આ તપાસ દરમિયાન ગામના લક્ષ્મણભાઈ ડામોરના દોઢ વર્ષના પુત્રને સાંભળવામાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જેનો ખર્ચ ખાનગી હૉસ્પિટલે રૂપિયા 10 લાખ જણાવ્યો હતો. ત્યારે પરિવારના નીચેથી જમીન ખસી ગઈ હતી. પરંતુ જ્યારે રાજ્ય સરકારે બાળકોના સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઓપરેશનનો ખર્ચ ચૂકવવાની જાહેરાત કરી ત્યારે પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
આ યોજનાની માહિતી મેળવીને લક્ષ્મણભાઈએ આરોગ્યની ટીમ પાસેથી માર્ગદર્શન લીધું હતું. ત્યારબાદ પુત્રને ઓપરેશન માટે કોક્લિયર ઈમ્પ્લાન્ટનું ઓપરેશન માટે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેને ખાનગી હૉસ્પિટલ જેવી આદ્યતન આરોગ્ય સેવા વિના મૂલ્યે અપાઈ હતી.
આ અંગે વાત કરતાં લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે, "હું મારી તમામ જમીન વેચી દઉં તો પણ આ કોક્લિયર ઈમ્પ્લાન્ટના ઓપરેશન ખર્ચને પહોંચી વળી શકું તેમ ન હતું. પણ સરકારની આ યોજનાથી મારો નયન આજે બીજા બાળકોની જેમ સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. તે માટે હું રાજ્ય સરકારનો અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તમામ સભ્યોનો હૃદય પૂર્વક આભાર માનું છું."