લુણાવાડાઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીમાં આર્થિક મદદ કરવાની ઉત્તમ ભાવના હોવી એ ગુજરાત માટે ખમીરવંતી વાત છે. દેશ અને દુનિયામાં ગુજરાતીઓ દાનનો ધોધ વહાવવામાં સહેજ પણ પાછા પડે તેવા નથી. દાનની સરવાણીમાં ગુજરાતીઓ સદાય પ્રથમ હરોળમાં હોય છે.
આવા જ એક ખમીરવંતા ગુજરાતી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના સેવાભાવી શિક્ષક છે રમેશચંદ્ર નરસિંહભાઈ પંડયા. જેમણે રાજ્ય સરકારની પડખે ઉભા રહી ગુજરાત રાજ્ય પુરી તાકાત અને તૈયારીઓ સાથે કોરોના સામે લડત આપી શકે અને કોરોના વાઈરસ સામે રક્ષણાત્મક પગલાં અને સુદ્દઢ સેવાઓ કાર્યરત કરવા, આ અદકેરા માનવી એવા શિક્ષક રમેશચંદ્ર પંડ્યાએ CM રાહત નિધિમાં રૂપિયા એક લાખનો ચેક જમા કરાવ્યો છે.
આ સરાહનીય કામગીરી અંગે બીઆરસી ખાનપુર તરફથી ડૉ. કાર્તિક જોશીએ માર્ગદર્શન અને પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવી છે. તેમની આ મદદની ગૌરવપૂર્ણ કામગીરી બદલ જિલ્લા કલેકટર આર.બી. બારડ, નિવાસી અધિક કલેકટર આર. આર. ઠક્કર, જિલ્લા શિક્ષણાધિકારી એમ.જી.મલેક, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દશરથભાઇ બારીયા, NCRT ભોપાલના પ્રાધ્યાપક સુરેશભાઈએ ખૂબ ખૂબ આનંદની લાગણીઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આટલી મોટી રકમનું દાન CM રાહત નિધિમાં અર્પણ થાય એ ખરેખર સમગ્રશિક્ષણ જગત માટે ગૌરવ લઈ શકાય તેવી બાબત છે.