દાહોદ ફતેપુરાના સાંસદ જશવંતસિંહ ભાભોરની કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં કેયુર બંસીધર ઉપાધ્યાય ગત તારીખ 8 જૂનના રોજ લુણાવાડાની લીલાવતી હોસ્પિટલ પાસેથી દારૂ પીધેલી હાલતમાં પકડાતાં પોલીસ કેસ થયો હતો. જ્યારે પ્રોફેસર કેયુર ઉપાધ્યાયનો મૃતદેહ ગુરૂવારે સાંજે કોઠંબાથી પસાર થતી મહીસાગર નદીના પુલ પાસેથી મળતા ખળભળાટ મચ્યો હતો.
આ ઘટના અંગે વધુ વિગત બહાર આવી નથી, પરંતુ તેની એક્ટીવા ઘટના સ્થળેથી મળી આવતા તેણે આપઘાત કર્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. મળતી માહિતી મુજબ ગુરુવારે પણ તે કોલેજ ખાતે ફરજ બજાવવા આવ્યા બાદ બપોરે 1:00 કલાકે લુણાવાડા જવા માટે નીકળ્યા હતા. હાલ તો કેયુર ઉપાધ્યાયના મૃતદેહને કોઠંબાના PHC સેન્ટરમાં રાખવામાં આવી છે. ત્યારે કેયુરે ખરેખર આપઘાત કર્યો છે કે અકસ્માત સર્જાયો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે, તે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવે તેમ છે. આ મામલે કોઠંબા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.