મહીસાગર : ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતરમાં હળ અથવા ટ્રેક્ટરથી ખેતી કરતા જોવા મળ્યા છે. મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોએ વાવણીનો શુભારંભ કર્યો છે. આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતો મેઘરાજાના આગમનની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વાવણી લાયક વરસાદ થતાં જગતનો તાત હાલ તો ખુશખુશાલ છે. હવે મેઘરાજા મન મૂકીને વરસે તો પાકને ફાયદો થાય એમ છે.
શેનું વાવતેર કરવામાં આવશે : સમગ્ર રાજ્યની સાથે સાથે મહીસાગરમાં ચોમાસાની શરૂઆત થતાં જિલ્લાના ખેડૂતો ચોમાસુ પાકની વાવણી માટેની તૈયારી કરતા જોવા મળ્યા છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારીત ખેતી થતી હોય છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ છે અને ખેડૂતો ખેતરમાં હળ અથવા ટ્રેક્ટરથી ખેતી કરવા લાગ્યા છે. ખાસ કરીને આ વખતે કપાસ, ડાંગર, હૂંડીયું અને બાજરીના પાકનું વાવેતર થતા ખેડૂતો આશા રાખે છે કે, પાક સારો ઉતરે. જેનો મોટાભાગનો આધાર ચોમાસું સીઝન પર છે.
વાવણીના શ્રીગણેશ : હાલ તો જિલ્લામાં ખેડૂતોએ બીજ રોપવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થઈ ચૂકી છે. હાલ તો સારો પાક ઊતરે એ માટે તેઓ ખેત મજૂર સાથે ખેતી કરવા લાગ્યા છે. મહીસાગર જિલ્લામાં આવેલા લુણાવાડા, બાલાસિનોર, સંતરામપુર, કડાણા તેમજ અન્ય શહેરોના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ સૌથી વધુ કપાસ, મકાઈ, હૂંડીયું અને બાજરીના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોએ વરસાદને કારણે વાવણીના શ્રીગણેશ તો કર્યા છે, પરંતુ સારા પાક માટે બધો આધાર મેઘરાજાના મુડ પર આધારિત છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થઈ છે એના લીધે દરેક ખેડૂતોએ ખેતીલાયક વાવણી ચાલુ કરી દીધી છે. કપાસ, ડાંગર, મકાઈ એ બધું કામકાજ ચાલુ કરી દીધું છે રોપવાનું અને આશા છે કે વરસાદ સારો પડશે. મે કપાસ ચારેક વીઘા કર્યા છે અને બાજરી બે વીઘા જેટલી કરી છે. - મહેન્દ્ર પટેલ (ખેડૂત)
વરસાદ આગળ જતા સારો આવે : ખેડૂત નિલેશ જણાવે છે કે, અત્યારે વરસાદની સીઝન ચાલુ થઈ ગઈ છે એટલે અમે કપાસ રોપીએ છીએ. અત્યારે વરસાદ આગળ જતા સારો આવે તો સારું, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અમારા કપાસ વધુ સારા થાય. મે બાજરી અને બે વીઘા કપાસ કર્યા છે. વરસાદ સારો થાય એવી ભગવાન પ્રાર્થના કરીએ છીએ.