- માસ્ક ન હોય તો તેમને માસ્ક પણ આપવામાં આવે છે
- પોલીસ દ્વારા 98 વાહનો ડીટેઇન કરાયા છે
- 755 વ્યકિતઓ પાસેથી રૂપિયા 7.55 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે
મહીસાગરઃ સરકાર દ્વારા કરાયેલી અપીલની શહેરના રહેવાસીઓને કોઇ અસર થતી ન હોય તેમ માસ્ક પહેર્યા વગર જ ઘરની બહાર નીકળી રહ્યા છે. તેટલું જ નહીં પણ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન ન કરીને પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે અને બીજા માટે પણ જોખમ ઉભું કરી રહ્યા છે. તે વાતનો ખ્યાલ હોવા છતાં ઘણા લોકો બજારમાં માસ્ક વગર બિન્દાસ્ત ફરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 15 દિવસમાં 50 લાખનો માસ્કનો દંડ વસૂલાયો
માસ્ક વગર ફરતા વ્યક્તિઓને પોલીસ માસ્ક પહેરવા અપીલ કરે છે
મહીસાગર જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રના જવાનો એકશન મોડમાં છે. બજારમાં માસ્ક વગર ફરતી વ્યકિતઓને પોલીસ જવાનો દ્વારા સમજાવવામાં આવે છે, અને માસ્ક ન હોય તો તેમને માસ્ક પણ આપવામાં આવે છે. આમ છતાં, પણ જેઓ સમજતા નથી તેમની પાસે દંડ પણ વસૂલ કરવામાં આવે છે.
પોલીસ જવાનો દ્વારા 9 હજારથી વધુ માસ્કતનું વિતરણ કરાયું
જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના પોલીસ જવાનો દ્વારા 11થી 17 એપ્રિલ દરમિયાન 9,378 માસ્ક વગર ફરતી વ્યકિતઓને માસ્ક આપીને, હવેથી માસ્ક પહેરીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવે છે. આ સાથે હવે પછી જો માસ્ક વગર ફરશો તો દંડ વસૂલવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
રૂપિયા 7.55 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
જિલ્લાના પોલીસ સ્ટેશનવાર વિગતો જોઇએ તો, માસ્ક વગર ફરતી વ્યકિતઓ પાસેથી લુણાવાડા પોલીસ સ્ટેશન દ્વારા-135, સંતરામપુરમાં-122, કડાણામાં-59, ડીટવાસમાં-15, બાકોરમાં-52, વિરપુરમાં-83, બાલાસિનોરમાં-98, કોઠંબામાં-62, એલ.સી.બી. દ્વારા-26, એસ.ઓ.જી.દ્વારા-22, પેરોલ ફર્લો દ્વારા-12 અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા-69 મળી કુલ 755 વ્યકિતઓ પાસેથી રૂપિયા 7.55 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ 196 ગુના દાખલ કરાયા
આ ઉપરાંત કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ 196 ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલા ગુનાની વિગતો જોઇએ તો, લુણાવાડા પોલીસ સ્ટેશન દ્વારા-37, સંતરામપુરમાં-43, કડાણામાં-09, ડીટવાસમાં-00, બાકોરમાં-06, વિરપુરમાં-29, બાલાસિનોરમાં-39 અને કોઠંબા પોલીસ સ્ટેશન દ્વારા-33 એમ કુલ-196 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ પશ્ચિમ રેલવે માસ્ક ન પહેરનારા પ્રવાસી પાસેથી 500 રૂપિયા દંડ વસૂલશે
પોલીસ દ્વારા 98 વાહનો ડીટેઇન કરાયા
જયારે લુણાવાડા પોલીસ સ્ટેશન દ્વારા-04, સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા-01, વિરપુર પોલીસ સ્ટેશન દ્વારા-18, બાલાસિનોર પોલીસ સ્ટેશન દ્વારા-11, કોઠંબા પોલીસ સ્ટેશન દ્વારા-02 અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા-62 મળી કુલ-98 વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હોવાની વિગતો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાપ્ત થઇ છે.