મહીસાગર: મહીસાગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મહીસાગર જિલ્લાને તમાકુમુકત કરવાના પ્રયાસના ભાગરૂપે COTPA સિગારેટ એન્ડ ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003ના અમલીકરણ માટે 130 જેટલા પાનના ગલ્લાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.

જેમાં 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિને તમાકુનું વેચાણ કરવું નહીં તેની ચિત્રાત્મક ચેતવણી સાથેનું સાયનેજ બોર્ડ લગાવવું એ કલમ 6 (A) પ્રમાણે ફરજિયાત છે જેનું પાલન થાય છે કે નહિ તેની ચકાસણી કરવામાં આવી. ઉપરાંત પાનના ગલ્લાઓ પર કાયદાની ગાઇડલાઇન પ્રમાણે સાયનેજ બોર્ડ પૂરા પાડવામાં આવ્યા હતા. “ટોબેકો ફ્રી પબ્લિક પ્લેસ” અને “ટોબેકો ફ્રી ટ્રાન્સપોર્ટ”ની કામગીરી અંતર્ગત લુણાવાડા બસ ડેપોને “તમાકુ મુક્ત જાહેર” કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ડેપો મેનેજરના સહયોગથી બસ ડેપો પર “ધૂમ્રપાન પ્રતિબંધિત વિસ્તાર” તથા “જાહેરમાં થૂંકવું નહિ” જેવી ચેતવણી દર્શાવતા સાયનેજ લગાવવામાં આવ્યા અને ડેપો મેનેજરને લુણાવાડા બસ ડેપોને તમાકુ મુક્ત જાહેર કરવા અંગેની અપીલ કરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન એપેડેમીક મેડિકલ ઓફિસર ધર્મેન્દ્ર ચૌહાણ, ડેપો મેનેજર, એપેડેમિસ્ટ તથા ફેઈથ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહયા હતા.