મહીસાગરઃ અત્યારે સાયબર ફ્રોડની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ UPI ટ્રાન્ઝેક્શન દ્વારા ફ્રોડ કરી રહ્યા છે. પોલીસનો સાયબર સેલ પણ આ ગુનાઓને ડામવા મથી રહી છે. તેવામાં મહીસાગર જિલ્લાના સાયબર સેલને એક સફળતા હાથ લાગી છે. ઓનલાઈન શેર માર્કેટમાં રોકાણ કરાવવાના નામે મોટી રકમ ટ્રાન્સફર કરાવી લેનાર સાયબર ઠગને મહીસાગર જિલ્લાના સાયબર સેલે ઝડપી લીધો છે.
સમગ્ર ઘટનાક્રમઃ મહીસાગર જિલ્લાના સાયબર સેલમાં ઓનલાઈન ફ્રોડની અનેક અરજીઓ આવી હતી. જેમાં શેર માર્કેટમાં ઓનલાઈન રોકાણ કરવાનું કહીને ઠગાઈ કરવામાં આવી હોય તેવી અરજીનો સમાવેશ પણ થતો હતો. આ અરજીના આધારે સાયબર ક્રાઈમ સેલે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરીને આરોપીને ઝડપી લીધો હતો. અમદાવાદના બાપુનગરના રહેવાસી કૃણાલ રાવળે અનેક નાગરિકો પાસેથી કુલ 1,36,000ની રકમ ઓનલાઈન પડાવી લીધી હતી. આરોપી ભલા ભોળા નાગરિકોને શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ટિપ્સ દ્વારા ઓનલાઈન રોકાણની લાલચ આપતો હતો. એક વાર શિકાર ફસાય ત્યારબાદ તે ફોન પે તથા ગૂગલ પે પર જુદા જુદા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરાવી લેતો હતો. સાયબર સેલે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી કૃણાલ રાવળ અમદાવાદના બાપુનગરનો રહેવાસી છે. આરોપીએ અનેક મદદગારોથી ફરિયાદને ફોન કરીને શેર માર્કેટમાં ટ્રેડિંગ અને ટિપ્સ આપવાના નામે કુલ 1, 36,000 રુપિયા પડાવી લીધા હતા. આરોપીએ આ નાણાં ફોન પે અને ગૂગલ પેના જુદા જુદા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કિસ્સામાં લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...એમ. કે. ખાંટ(ઈન્ચાર્જ પી.આઈ., મહીસાગર સાયબર સેલ)