બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, કે.એચ.વાણિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નીરવભાઈ પંડયા, પ્રોબેશન ઓફિસર શ્રીમતી રેણુકાબેન મેડા, સુરક્ષા અધિકારી હિતેશભાઈ પારગી અને લીગલ ઓફિસર સતીષભાઈ પરમારે તા. 25/04/2019ના રોજ સ્થળ પર જઈ સમૂહ લગ્નના આયોજકોને બાળલગ્ન અંગે કાયદાકીય માહિતી આપી હતી. સમુહલગ્નમાં ભાગ લેનાર તમામ જોડાઓના ઉંમરના પુરાવા અને અન્ય જરૂરી દસ્તાવેજ જોવા માંગ્યા હતા.
આયોજકો દ્વારા આપવામાં આવ્યા ન હતા અને તેઓ આયોજન રદ કરવા માંગતા ન હતા. તમામ તૈયારીઓ થઇ ગઈ છે તેમ જણાવેલ હતું. જેથી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ આ અંગેની જાણ જિલ્લા કલેકટર અને નિવાસી અધિક કલેકટરને કરી હતી. જેથી તેઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાયબ પોલીસ વડા વી.એમ.ચૌહાણ અને બાલાસિનોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પ્રકાશભાઈ પંડ્યાના સહયોગથી સમુહલગ્નના આયોજકો સાથે મળી કાયદાની ગંભીરતા સમજાવી અને આયોજનમાં 18 વર્ષથી નીચેની કન્યા અને 21 વર્ષથી નીચેની ઉંમરના બાળકના લગ્ન મોકુફ રાખવા જણાવેલ જેથી સમૂહ લગ્ન આયોજકો દ્વારા કાયદાને માન આપી તા.28/04/2019 ના સમૂહ લગ્નમાં બાળલગ્ન મોકૂફ રાખવામાં આવેલ હતા.
આમ સ્થાનિક વહીવટી તંત્ર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ તેમજ પોલીસ તંત્રના સહયોગથી સમૂહલગ્નના 14 જેટલા આયોજિત કરવામાં આવેલા બાળલગ્ન મોકૂફ રાખવામાં આવેલ અને બાળલગ્ન નહિ કરાવવા અંગેનું સ્થાનિક આગેવાનો અને ગામના સરપંચ પાસેથી લેખિતમાં નિવેદન લેવામાં આવ્યું હતું.