મહીસાગર: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશાનિર્દેશ પ્રમાણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યાં છે.
આ જ રીતે રાજય સરકાર દ્વારા ધન્વંતરી રથના માધ્ય્મથી લોકોને ઘરઆંગણે સ્વાસ્થ્યની તપાસણીની સુવિધા આપવા માટેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યા છે. જેના થકી જિલ્લાના અંતરિયાળ અને ઊંડાણના વિસ્તારોના ગામો અને અર્બન વિસ્તા્રના છેવાડાના લોકોને ઘેર બેઠાં આરોગ્ય સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરની મેડીકલ ટીમ તેમજ RBSKની ટીમ 444 દ્વારા વેરીના મુવાડા તેમજ લુણાવાડા નગરના હાટાના કૂવા વિસ્તારમાં લેબ ટેકનિશિયનો દ્વારા 36 RT PCR સેમ્પલ લેવામાં આવ્યા હતા. જયારે ડુંગરાભીંત તેમજ સિંધી કોલોની વિસ્તારમાં પોરાનાશક, ફીવર સર્વે તેમજ બી એસ કલેકશનની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રોગ પ્રતિકારક શકિત વધારતી હોમિયોપેથીક દવા આર્સેનીક આલ્બમ-200 સિંગલ ડોઝનું લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્કની ઉપયોગિતા અને સેનિટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવા અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યા છે.