- મહીસાગર જિલ્લાના ક્ડાણા જળાશયમાં જળસપાટી વધી
- ઉપરવાસમાં સારા વરસાદને કારણે જળ સપાટીમાં વધારો
- જળાશયની સપાટી 407.11 ફૂટ, 73.85 ટકા ભરાયું જળાશય
- વૉર્નિંગ સ્ટેજ જાહેર કરાયું
લુણાવાડા: રાજ્યમાં કેટલાક દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખાલી પડેલા જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ છે. પાણીની આ આવકના કારણે આગામી સમયમાં ખેડૂતો અને લોકોને પુરતુ પાણી મળી રહેશે તેવું લાગી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે કડાણા જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે જળાશય 73.85 ટકાથી વધુ ભરાયું છે અને ડેમનું લેવલ 407.11 ફૂટ થયું છે.
બુધવારે બપોરે 2 વાગ્યા સુધી કડાણા બંધનું લેવલ 407.11 ફૂટ
મહીસાગર જિલ્લાના ક્ડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદના કારણે તથા રાજસ્થાનના બાંસવાડા ખાતેના મહીસાગર બજાજ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પ્રવાહને લઈને કડાણા જળાશયની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગેની વિગતો આપતાં દિવડા કોલોની ફલ્ડ સેલના ઓપરેટર શૈલેષભાઇ ભોઇએ જણાવ્યું હતું કે, કડાણા બંધનું આજે બુધવારના રોજ બપોરના 2 વાગ્યા સુધીનું લેવલ 407.11 ફુટ થયું છે.
64,164 ક્યુસેક પાણીની આવક થઈ
ક્ડાણા જળાશયની પૂર્ણ સપાટી 419 ફૂટ છે, જેથી જળાશય 73.85 ટકાથી વધુ ભરાયું હોવાના કારણે વોર્નિંગ સ્ટેજ (Warning Stage) જાહેર કરવામા આવ્યું છે. જળાશયમાં 64,164 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમમાં પાણીનો કુલ જથ્થો 32,586 એમ.સી.એફ.ટી (MCFT) છે.
વધુ વાંચો: કડાણા ડેમમાં પાણીની આવક ઘટતા 3 ગેટથી 44,930 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું
વધુ વાંચો: મહીસાગરના પાણી ભાઠામાં પ્રવેશતા ખેતીના પાકને વ્યાપક નુકસાન