મહીસાગર : રાજય સરકાર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘરઆંગણે સ્વાસ્થ્યની સુવિધા આપવા માટેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના થકી જિલ્લાના અંતરિયાળ અને ઊંડાણના વિસ્તારોના ગામો અને અર્બન વિસ્તારના છેવાડાના લોકોને ઘેર બેઠાં આરોગ્ય સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે ધન્વંતરી રથને મહીસાગર જિલ્લામાં કાર્યરત કરવામાં આવ્યા છે. આ ધન્વંતરી રથની કામગીરીનું નિરીક્ષણ કરવા અર્થે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ મછારના મુવાડા ગામે, સંતરામપુરના મામલતદારે સંતરામપુરના મહુડી ફળિયા ખાતે ધન્વંતરી રથની મુલાકાત લઇને ધન્વંતરી રથની સાથે રહેલા આરોગ્ય કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપવા સહિત દરેક ગાડી પર ધન્વંતરી રથનું પોસ્ટર આવશ્યક હોવું જોઇએ તેની સૂચના આપી હતી.
ધન્વંતરી રથ દ્વારા ફળિયે-ફળિયે મુલાકાત કરીને ઓ.પી.ડીની કામગીરી કરવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદોને સ્થળ ઉપર જ સારવાર આપી જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે, જયારે સંતરામપુરના મહુડી ફળિયામાં રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આમ, મહીસાગર જિલ્લામાં કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા-તાલુકાના અધિકારીઓ સહિત આરોગ્ય તંત્ર અને કર્મયોગીઓ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં રાખવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે.