મહીસાગરઃ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. સમગ્ર મહીસાગર જિલ્લામાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મકાઈ, બાજરી અને દિવેલાની વાવણી શરી કરી છે. જિલ્લામાં મોટા ભાગની ખેતી ચોમાસાના વરસાદ આધારીત થતી હોવાથી ખેડૂતો હાલ વાવણી કરી રહ્યાં છે.
સમગ્ર રાજ્યની સાથે સાથે મહીસાગરમાં પણ ચોમાસાની શરૂઆતમાં ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ચોમાસુ પાકની વાવણી કરતા જોવા મળ્યા છે. જિલ્લામાં મોટાભાગની જમીન પર ચોમાસાના વરસાદ આધારીત ખેતી થતી હોય, વરસાદની સિઝનમાં ખેડૂતોએ મકાઈ, બાજરી, દિવેલા રોપવાની શરૂઆત કરી છે.
મોટા ભાગની જમીન પર વરાપ આવતા ખેડૂતોએ ખેતરોમાં સમારકામ અને ટ્રેક્ટર વડે ખેડ કરી હતી. તેમજ ખેડૂતો છાંણીયા ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી વાવેતર કરવામાં વ્યસ્ત બન્યા છે.
જિલ્લામાં બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, સંતરામપુર તેમજ કડાણા વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરવાની શરૂઆત કરી છે. ખેડૂતોના જણાવ્યાં મુજબ વરસાદ સારો થાશે તો પાકની ઉપજ સારી મળશે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે, અહી નીલગાયનો બહું ત્રાસ છે, નીલગાયો પાકને નુકસાન કરશે તો અમારા હાથમાં કશું આવશે નહી.