મહીસાગરઃ કોરોનાને કારણે ફરજિયાતપણે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો છે. ત્યારે ટેકનોલોજીના વપરાશ સાથે તેના લાભ-ગેરલાભ પણ જોડાયેલા હોય છે. જેથી ઓનલાઇન એજ્યુકેશન મેળવી રહેલા દરેક બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે.
આંખની તંદુરસ્તી માટે 20:20:20ના રેશિયોની કસરત આંખ માટે ખૂબ જ સારી છે. મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર એજ્યુકેશન લેતા બાળકોએ દર 20 મીનીટે 20 સેકન્ડ માટે સ્ક્રીનથી 20 ફૂટ દૂર જોવાની કસરત કરવી જોઇએ. જેનાથી બાળકોને સ્ક્રીનમાંથી મળતાં રેડિએશનથી રાહત મળશે. તેમજ બાળકોએ થોડી થોડી વારે આંખો પટપટાવવી જેથી આંખો સુકાઈ ન જાય.
આંખને જરૂરી વિટામિન્સ પૂરા પાડતા ખોરાકનું સેવન કરવુ જોઈએ. લીલા શાકભાજીનો ઉપયોગ વધારવો અને બને ત્યાં સુધી રાતના 8 કલાક પછી મોબાઈલનો ઉપયોગ ટાળવો. સાથોસાથ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી કારણ કે ઊંઘ પૂરી ન થવાથી પણ સ્વાસ્થ્ય કથળે છે. સ્વાસ્થ્ય કથળતા બીમારીઓ જલ્દીથી શરીર ઉપર હાવી થઈ જાય છે, તેથી રોગ પ્રતિકારક શક્તિ વધે તેનું વિશેષ ધ્યાન રાખવુ જોઇએ. શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરના દરેક અંગોની કાળજી રાખવી આવશ્યક છે. તેથી આજથી કુદરતના દરેક રંગોના દર્શન કરાવતી આંખો માટે દિવસમાં 20:20:20 કસરતને આપના જીવનનો રોજીંદો ભાગ બનાવવો જોઇએ અને આંખોની તંદુરસ્તી જાળવીએ.