મહીસાગર : 1લી મે ગુજરાત ગૌરવ દિન સ્પર્ધામાં ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનના સમય ગાળામાં કોરોના વાઇરસ પર ધોરણ 1થી 8 અને ધોરણ 9થી ઉપરના બાળકો માટે ચિત્ર, કાવ્ય લેખન અને નિબંધ લેખનની ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં પણ મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ ઉમદા પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાનું મૂલ્યાંકન કરી પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગમાં પસંદગી પામનાર ચિત્ર, કાવ્ય અને નિબંધને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા હતા.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાંથી મહીસાગર જિલ્લાના સંતરામપુરની જે.એન્ડ જે. પટેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હેલી શાંતિલાલ પટેલ કાવ્ય લેખન સ્પર્ધામાં પસંદગી પામી હતી. જેનો રાજ્ય કક્ષાએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો હતો. જેને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે રૂપિયા 25 હજારનો ચેક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિતો સૌએ મહીસાગર જિલ્લાનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધારવા બદલ હેલીના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. શનિવારે જિલ્લા કક્ષાના શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં હેલીની આ સિદ્ધિ બદલ ટ્રોફી આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેણે મહીસાગર જિલ્લાના શિક્ષણ જગતનું નામ રોશન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જ્યારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુરના પ્રાચાર્ય એ.વી. પટેલ અથાગ પ્રયત્નો કરી બાળકોને કલા ઉત્સવ, વિજ્ઞાન મેળા, સ્ટડી ફોર્મ હોમ જેવી પ્રવૃત્તિઓમાં શિક્ષકો બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરુ પાડ્યું છે.