મહીસાગરઃ કોરોના વાઇરસની મહામારીને કારણે દૂધ મંડળીએ દૂધ કલેક્શન સમયે દૂધ ભરવા આવતાં સભાસદો એક સાથે ન આવે અને સમયાંતરે આવે તેની કાળજી રાખે તે માટે જિલ્લાની તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને પરિપત્ર આપ્યો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે, દૂધ ઉત્પાદકોની સંખ્યા મુજબ ભાગ પાડી સમય આપવો. તેમજ ફળીયા-મોહલ્લા પ્રમાણે દૂધ ભરવા બોલાવવા. દૂધ મંડળીમાં દૂધ ભરવા આવતા સભાસદોને મંડળીની બહાર એક મીટરનું અંતર રાખી ઉભા રાખવા. દૂધ ભરી સભાસદો દૂધ મંડળી આગળ ઊભા ન રહે પણ સીધા ઘરે જાય તેવી સૂચના આપવી. સરકાર દ્વારા બહાર પડાયેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું, દૂધ મંડળીના કર્મચારીઓ પણ સરકાર દ્વારા અપાયેલી ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે તેમ પંચામૃત દૂધ સંઘ ગોધરાના વહીવટી તંત્ર દ્વારા પરિપત્રમાં જણાવેલું છે.