આ સેમીનાર કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાન પર યોજવામાં આવ્યો હતો. જેમાં બારડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ રાજ્ય સરકારના વહીવટી વિભાગો તેમજ ખાતાના વડાની કચેરીઓ, જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યના બોર્ડ, કોર્પોરેશન, સોસાયટીઓ, કંપનીઓ, સંસ્થાઓ તેમના દ્વારા કરવામાં આવતી તમામ સરકારી ખરીદીઓ સંપૂર્ણપણે ગવર્નમેન્ટ ઇ- માર્કેટપ્લેસના માધ્યમથી જ કરવાની રહેશે. જો કોઇ સંજોગોમાં આમ કરવું શક્ય ન હોય તો તેવી ખરીદી પરત વ્યાજબી કારણ સાથે જરૂરી દરખાસ્ત કરીને અગ્ર સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ અથવા ઉદ્યોગ કમિશ્નરની મંજુરી મેળવવાની રહેશે.
આ સેમીનારમાં અધિકારીઓને ખરીદી અને રજિસ્ટ્રેશન બાબતે વીડિયો પ્રઝેન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. સાથે જ ખરીદી અંગે પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, સંયુક્ત ઉદ્યોગકમિશ્નરની કચેરીના અધિકારી દેસાઇ, જિલ્લા ઉદ્યોગ કચેરીના મેનેજર ડામોર તેમજ જિલ્લા કચેરીઓના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.