મહીસાગર : જિલ્લાના પાંચ ગામોનું કલ્સ્ટર બનાવી આ યોજનાનો લાભ આપવામાં આવે છે. પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ યુનીટના લાભ થકી ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનનો સંગ્રહ કરી મુલ્યવૃધ્ધિ કરી શકે છે. મહીસાગર જિલ્લાના ભમરા ગામના ખેડૂત લાભાર્થી રામાભાઇ માછીએ પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ યુનીટ યોજનાનીસહાય મેળવી પાક સંગ્રહ માટે ગોડાઉન તૈયાર કર્યા છે. સરકારની આ યોજનાથી તેમને કેટલો લાભ થયો છે તે જાણીએ.
રામાભાઇએ જણાવ્યું હતું કે, તેઓ મકાઇ બાજરી, ઝાલર, ઘઉં, ડાંગર, ચણા જેવા પાકોની ખેતી કરી રહ્યા છું. અગાઉ પાક મેળવ્યા બાદ સાચવણી અને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો અને ઘણી વખત કમોસમી વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે પાક બગડી પણ જતો અને ઘણું મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતો હતો. અમારા ગામના જાગૃત સરપંચે અમને ખેતીવાડીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી મે ખેતીવાડી શાખાનો સંપર્ક કરતા ત્યાથી મને પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ યુનીટ યોજનાની માહિતી મળી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ યોજના અંગે અરજી કરી. મારી અરજી મંજુર થતા મારી માલીકીના સર્વે નંબરમાં 9 મીટર લાંબુ અને 6 મીટર પહોળુ પુરતા હવા ઉજાસ વાળુ પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ યુનીટ બનાવવામાં આવ્યુ. જેના ખર્ચના 50 ટકા પ્રમાણે મને રૂપીયા બે લાખની ખેતીવાડી શાખા તરફથી સહાય મળી. આ યોજના થકી પહેલા મારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તે બંધ થયો અને આજે હું મારું ખેત ઉત્પાદન આ ગોડાઉનમાં સંગ્રહ કરી શકું છું. જેનાથી મને ખેત ઉત્પાદનના સારા એવા ભાવો પણ મળી રહે છે અને મારું ખેત ઉત્પાદન સારું સચવાઇ રહે છે. જેનાથી અમારૂં સામાજીક અને આર્થિક ધોરણ ઘણુ ઉચું આવ્યું છે. આ યોજનાનો લાભ આપવા બદલ સંવેદનશીલ રાજ્ય સરકારનો હું ઘણોજ આભારી છું.
વધુમાં જણાવતા માછી કહે છે કે, મારા જેવા બીજા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ ખેત ઉત્પાદનની સારી સાચવણી કરી શકે તે માટે હું તેમને અપીલ કરૂ છું. આમ પોસ્ટ હાર્વેસ્ટ સ્ટોરેજ યુનીટ ખેડૂતો માટે ખેત ઉત્પાદન સારું સચવાય રહે તે માટે આશિર્વાદરૂપ પુરવાર થયું છે.