- 28 ફેબ્રુઆરીના રોજ મતદાન
- મહીસાગરમાં ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ હાથ ધરવામાં આવ્યું
- 6,67,769 મતદારો કરશે મતદાન
મહીસાગરઃ જિલ્લામાં 28 જિલ્લા પંચાયત બેઠકો અને 6 તાલુકા પંચાયતની 126 બેઠકો માટે આવતીકાલે રવિવારે મતદાન યોજાવાનું છે. જેથી આજે શનિવારે 6 તાલુકાઓના ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી EVM, સ્ટેશનરી સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયાએ લુણાવાડા પી.એન.પંડ્યા કૉલેજ ખાતેથી લુણાવાડા તાલુકાની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે પોલિંગ સ્ટાફને મતદાન મથક ફાળવણીના હુકમ આપ્યા હતા.
ડિસ્પેચિંગ સેન્ટરો પરથી મતદાન સ્ટાફને ચૂંટણીલક્ષી સામગ્રી સાથે રવાના કરાયા
આ સાથે ખાનપુર તાલુકા માટે મોડેલ સ્કૂલ બાકોર, સંતરામપુર તાલુકામાં આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, કડાણા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલ, બાલાસિનોર તાલુકામાં કરૂણા નિકેતન હાઇસ્કૂલ અને વિરપુર તાલુકામાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિરપુર ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી મતદાન સ્ટાફને ચૂંટણીલક્ષી સામગ્રી વિતરણ કરી વાહનોમાં મતદાન મથકો ખાતે રવાના કરવામાં આવ્યા હતા.
6,742 પોલીંગ સ્ટાફ તેમજ 1,359 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે
મહીસાગર જિલ્લામાં 28 જિલ્લા પંચાયત બેઠકો અને 6 તાલુકા પંચાયતની 126 બેઠકો માટે 6,67,769 મતદારો મતદાન કરશે. જેથી જિલ્લામાં 6,742 પોલીંગ સ્ટાફ તેમજ 1,359 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. આ ઉપરાંત આરોગ્યના 1750 કર્મચારી ફરજ બજાવશે.