- સુવિધાયુક્ત નવિન સંતરામપુર બસ સ્ટેશન યાત્રિકો માટે આશિર્વાદ રૂપ બનશે
- દૈનિક 600 ટ્રીપોના સંચાલન સાથે 10,000 પ્રવાસીઓને લાભ
- આધુનિક બસ સ્ટેશનોના માધ્યમથી ગુજરાત નવા મોડલ તરીકે પ્રસ્થાપિત
લુણાવાડા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા શુક્રવારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે 2085 ચોરસ મીટર વિસ્તારમાં રૂપિયા 4.40 કરોડના ખર્ચે નવનિર્મિત બસસ્ટેશનનું મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે અને વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુ તેમજ સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ (સ્વતંત્ર હવાલો) વાહન વ્યવહાર રાજ્યકક્ષાના પ્રધાન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સંતરામપુર ખાતે નવનિર્મિત સુવિધાયુક્ત બસ સ્ટેશન ખુલ્લુ મુકાયુ
સંતરામપુર ખાતે નવનિર્મિત સુવિધાયુક્ત બસ સ્ટેશનને રીબીન કાપી ખુલ્લુ મુકતા સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વાહન વ્યવહાર રાજ્ય કક્ષા પ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, નવિન સંતરામપુર બસ સ્ટેશનથી દૈનિક 600 ટ્રીપોના સંચાલન સાથે 10,000 પ્રવાસીઓને લાભ મળશે. બસ સ્ટેશનમાં બેઠક વ્યવસ્થા, કેન્ટીન, પાર્સલ રૂમ, વોટર રૂમ, વેઇટીંગ રૂમ, શૌચાલય, વિવિધ સ્ટોલ સહિત અનેક સગવડોથી સજ્જ નવનિર્મિત બસ સ્ટેશન સંતરામપુરનગર, તાલુકા સહિત અન્ય વિસ્તારના યાત્રિકો માટે આશીર્વાદરુપ નિવડશે.
આ પણ વાંચો: સીએમ રૂપાણીએ 14 બસ સ્ટેશન- વર્કશોપનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ- ખાતમૂર્હુત કર્યું
છેવાડાના માનવી માટે અવર જવર માટે કડીરૂપ બન્યું
વધુમાં પ્રધાને ઉમેર્યું કે એસ.ટી.વિભાગ નફો નુક્સાનનો વિચાર કર્યા વગર છેવાડાના માનવી માટે અવર જવર માટે કડીરૂપ બન્યું છે. લાખો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે, લગ્ન પ્રસંગોમાં લોકોની સુવિધા સમય સાચવીને ખર્ચ બચાવીને ઉત્તમ પરિવહન સેવા બની રહેશે છે. આધુનિક બસ સ્ટેશનોના માધ્યમથી ગુજરાત નવા મોડલ તરિકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો: ભરૂચની સિટી બસ સેવાનું ગાંધીનગરથી મુખ્યપ્રધાને કર્યું ઇ-લોકાર્પણ
કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓ, એસટી વિભાગના અધિકારી-કર્મીઓ ઉપસ્થિત
આ પ્રસંગે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય સર્વઓ કુબેરભાઈ ડિંડોર,જીગ્નેશભાઈ સેવક, નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી,અગ્રણી દશરથભાઈ બારિયા, રાવજીભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ સંતરામપુર પાલિકા પ્રમુખ સુનિતાબેન, ગોધરા એસ.ટી.વિભાગના નિયામક બી.આર. ડિંડોર સહિત પદાધિકારીઓ અધિકારીઓ, એસટી વિભાગના અધિકારી-કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.