લુણાવાડા: તારીખ 10 મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં મહીસાગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ચિત્રસ્પર્ધાની 1296, નિબંધ સ્પર્ધાની 744 અને કાવ્ય લેખનની 284 મળીને કુલ 2324 કૃતિઓ મળી હતી. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની 3063, નિબંધ સ્પર્ધાની 2347 અને કાવ્ય લેખનની 789 મળીને કુલ 6199 કૃતિઓ પ્રાપ્ત થઇ છે.
આમ, પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ 8523 જેટલી કૃતિઓ પ્રાપ્ત થઇ છે. આ સ્પર્ધાઓમાં માધ્યમિક વિભાગમાં મહીસાગર જિલ્લાના 6199 સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઇ નોંધણીમાં રાજ્યમાં બીજા ક્રમે રહ્યો છે. આ કૃતિઓની જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર મારફતે ચકાસણી હાથ ધરવામાં આવશે.
આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, બંને વિભાગોમાં જિલ્લા કક્ષાએ દરેક સ્પર્ધામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને રૂપિયા 15,000 બીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂપિયા 11,000 અને ત્રીજા નંબરે આવનાર વિદ્યાર્થીને રૂપિયા 5,000નું પારિતોષિક આપવામાં આવશે આ સ્પર્ધાથી વિદ્યાર્થીઓની સુષપ્ત શક્તિઓ ઉજાગર થશે.