- દિવાળીના તહેવારો નજીક છતાંય ખરીદીમાં મંદી
- ગ્રામ્ય વિસ્તારોમાં મંદીના સીધી અસર
- લોકોમાં કોરોના સંક્રમણનો ભય
મહીસાગર: ચાલુ વર્ષે ઓછા વરસાદથી મંદીનો માહોલ જોવા મળ્યો છે. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે, આમ છતાં શહેરોના મુખ્ય બજારોમાં ગ્રાહકોનો અભાવ જોવા મળ્યો છે. હાલ બજારમાં ભીડનો માહોલ છે, પરંતુ વેપારીઓના જણાવ્યા પ્રમાણે ખરીદનાર વર્ગ ઓછો છે.
લોકડાઉનની માઠી અસર
કોરોના કારણે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનના સમયમાં જ વેપારીઓએ મંદીનો માર સહન કરવો પડ્યો છે. આ મંદીના માહોલમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લાના શહેરોના બજારોમાં લોકોની ચહલપહલ શરુ થઇ ગઈ છે. આમ છતાં વેપારીઓના જણાવ્યા મુજબ બજારમાંથી રોકડનો અભાવ છે.
લોકોમાં કોરોના સંક્રમણનો ભય
આ ઉપરાંત લોકોમાં કોરોના સંક્રમણનો ડર પણ જોવા મળી રહ્યો છે. લોકો પોતે કોરોનાનો ભોગ બને તે ડરથી પણ ભીડમાં આવવાનું ટાળી રહ્યા છે. જેથી વેપારીઓને ગ્રાહકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ દિવાળીના વચ્ચે માત્ર 7 જ દિવસ છે. આમ છતાંય બજારોમાં ખરીદીનો માહોલ નથી. કાપડ, રેડીમેઈડ ગારમેન્ટ, સોના- ચાંદી, જ્વેલરી, ફૂટવેર, ગૃહ સજાવટ અને હોમ એપ્લાયન્સની ખરીદી દર વર્ષ જેવી નથી, જ્યારે આસપાસના ગામડાઓના ગ્રાહકો પણ ખરીદી માટે આવી રહ્યા નથી. કોરોના સંકટના કારણે ધંધા રોજગાર ઠપ થયા હતા, તેમજ આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ પૂરતો નહીં વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં મંદીની સીધી અસર વર્તાઈ રહી છે.
નોકરીયાત વર્ગને પગાર થતાં આગામી દિવસોમાં ગ્રાહકોની આશા
જો કે, સરકારી કે ખાનગી નોકરીયાત વર્ગને પગાર થતાં આગામી દિવસોમાં ગ્રાહકો નીકળે તેવી વેપારીઓ આશા બાંધી બેઠા છે. આ ઉપરાંત લોકો પણ મહદઅંશે કપડાં, બુટ-ચંપલ ખાણીપીણીમાં થોડી ગ્રાહકી વર્તાઈ રહી હોવાનું જણાય છે.