બાલાસિનોરઃ કોરોના જેવા ઝડપી સંક્રમિત કરતાં મહારોગમાં દર્દીઓની સારવાર કરતાં ડૉકટરો કોરોના વોરિયર્સ તરીકે સર્વત્ર પોંખવામાં આવી રહ્યાં છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં લાયન્સ ક્લબ દ્વારા ડોક્ટર ડે નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમમાં લાયન્સ ક્લબના અગ્રણીઓ વસંતભાઈ ઉપાધ્યાય, મનહરભાઈ ઠાકર, પ્રવીણભાઈ સેવક તેમ જ લાયન ક્લબના સભ્યોની ઉપસ્થિતિમાં કોવિડ-19 હોસ્પિટલ,બાલાસિનોરમાં વિવિધ સેવાઓ આપનાર 20 ડોક્ટરોનું પુષ્પગુચ્છ અને એવોર્ડ આપી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત બાલાસિનોરના 84 વર્ષના સિનિયર ડો નગીનદાસ શાહનું પણ શાલ ઓઢાડી એવોર્ડ આપી લાયન્સ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ લાયન્સ ક્લબ બાલાસિનોરના તમામ ડોક્ટર સભ્યોનું પણ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. જે.પી.પરમાર, ડો.ધર્મેશ ગોહિલ ઇન્ચાર્જ કોવિડ હોસ્પિટલ સહિત 12 સરકારી ડોક્ટરો તેમ જ ઠાસરાના ડૉ. જીગ્નેશભાઈ શાહ, બાલાસિનોરના ડો.વિમલ પી. પટેલ, ડો. વિરલ બી.પટેલ ડો. હાર્દિકભાઈ પટેલ, જયપ્રકાશ પટેલ, ડો.ભક્તિબેન શેઠનું પણ કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.