મહીસાગરમાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા
- જિલ્લામાં થોડા દિવસ અગાઉ વાવણી લાયક વરસાદ થયો હતો
- ખેડૂતોએ કપાસ, મકાઈ, બાજરી, દિવેલા તેમજ અન્ય કઠોળ પાકોનું વાવેતર કર્યું
- ખેતી પાછળ બિયારણ, ખાતર તેમજ અન્ય ખર્ચ વ્યર્થ જવાની ભીતી
મહીસાગરઃ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોમાં ભય સાથે ખેતરમાં વાવેલા પાક માટેની ચિંતા શરુ થઈ છે. મંગળવારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં થોડા દિવસ અગાઉ વાવણી લાયક વરસાદ થયો હતો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ હોંશે હોંશે કપાસ, મકાઈ, બાજરી, દિવેલા તેમજ અન્ય કઠોળ પાકોનું વાવેતર કર્યું હતું. જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે.
વાવણી થયા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લામાં વરસાદ આધારીત ખેતી થતી હોવાથી સમયસર વરસાદ ન આવતાં ખેડૂતોમાં ચિંતા જન્મી છે, અને ખેડૂતો જણાવી રહ્યા છે કે, જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો અમે ખેતી પાછળ બિયારણ, ખાતર તેમજ અન્ય ખર્ચ વ્યર્થ જશે તેવી ચિંતા જન્મી છે.