લુણાવાડા : મહિસાગર જિલ્લા કલેકટર આર.બી.બારડે સંતરામપુર તાલુકાના ચીચાણી તેમજ લુણાવાડા તાલુકાના પાણીયાપુરા એમ બંને કન્ટેઇન્મેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. ચીચાણી તેમજ પાણીયાપુરા કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં પોઝિટિવ કેસ સામે આવતા આ ગામોના વિસ્તારને કન્ટેઇન્મેન્ટ વિસ્તાર હેઠળ આવરી લેવાયા છે. કલેકટરે આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકાત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગ દ્વારા થતા ડોર ટુ ડોર સર્વેમાં સહકાર આપવા અપીલ
કરી હતી.
તેમજ આ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે કરવામાં આવતી કામગીરી જેવી કે આયુર્વેદિક ઉકાળા વિતરણ, સંશમની વટી ગોળી, હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બનું વિતરણ તેમજ મેડીકલ સર્વે ટીમની કામગીરીનો રિવ્યુ કર્યો હતો.
વધુમાં કન્ટેઇન્મેન્ટ વિસ્તારનાં લોકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો હતો. આ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું. સાથે આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવા તેમજ અન્ય લોકોને અવર-જવર પર પ્રતિબંધ તેમજ ઘરોની બહાર ન નીકળ્યા સૂચનાઓ આપી
હતી. કલેકટરે સંતરામપુર તાલુકાને અડતી બોર્ડર વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.
કલેક્ટરની પાણીયાપુરા મુલાકાત વેળાએ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી પણ જોડાયા હતા. તો સાથે લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.