- જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચેકિંગ હાથ ધરાયું
- પ્લાયવુડના બોક્ષ માંથી દારૂની 2,880 બોટલો મળી આવી
- અંધારાનો લાભ લઈ ટ્રક ચાલક ફરાર
મહીસાગર: જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે શુક્રવારે બાલાસિનોર PI સાથે પોલીસ સ્ટાફ બાલાસિનોર ભાંથલા ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન પરપ્રાંતીય ટ્રકમાં પ્લાયવુડના બોક્ષની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના 17 લાખની કિંમતની 2,880 બોટલનો જથ્થો બાલાસિનોર પોલીસે પકડી પાડ્યો છે. જો કે, અંધારાનો લાભ લઈ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ આણંદમાં સિલાઈકામનાં દોરાની આડમાં લઈ જવાઈ રહેલો લાખોની કિંમતનો દારૂ ઝડપાયો
પોલીસે ટ્રક સહિત કુલ રૂપિયા 27,16,000નો મુદ્દામાલ કબજે કર્યો
મળેલી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી બાલાસિનોર PI અને સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં ભાંથલા ચોકડી આગળ વાહન ચેકિંગ કરતા હતા. આ દરમિયાન એક ટ્રક MP 09 HG 9842 પૂરઝડપે આવતા તેને ઉભી રખાવી ઇશારો કરતાં ટ્રકના ડ્રાઈવરે પોતાની ટ્રક ઉભી ન રાખતા પુરઝડપે હંકારી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેનો પીછો કરતા ચાલક પોતાની ટ્રક સાઇડમાં ઊભી કરી ટ્રકમાંથી કૂદી અંધારાનો લાભ લઇ ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા ટ્રકની અંદર તપાસ હાથ ધરવામાં આવતા પ્લાયવુડના બોક્ષ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,880 નંગ બોટલો પોલીસને મળી હતી. જેની કિંમત 17,16,000 જેટલી છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાંથી રૂ. 16.47 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2 આરોપી ફરાર
પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
બાલાસિનોર પોલીસે ભારતીય બનાવટના દારૂ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા 27,16,000નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુદ્દામાલ સાથે ટ્રક મૂકી નાસી જનાર પરપ્રાંતીય ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.