મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના બચકરીયા ગામે ચમાર ફળીયામાં માનસી બાયો વર્મીટેકના સંચાલક મણીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ 30 જેટલા અનુસુચિત જાતિના લાભાર્થીઓને ગોબરગેસ પ્લાન્ટ 100 ટકા સહાયમાં નિર્માણ કરી આપવામાં આવ્યા.આ બાદ બીજા વર્ષે 50 જેટલા અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને ગોબરગેસ પ્લાન્ટ સહિત કડાણા તાલુકામાં અંદાજે આજે કુલ 80 જેટલા ગોબર ગેસ પ્લાન્ટની યોજનાનો લાભ મેળવ્યો છે. સામાન્ય રીતે જૈવિક પદાર્થ જેવા કે, ઝાડના ડાળ, ફળ, ફૂલ, પાંદડા અને પશુના છાણામાંથી જે ગેસ પેદા થાય તેને ગોબરગેસ કહેવાયછે. ખેડૂતો માટે ખેતી સાથે પશુપાલન મુખ્ય વ્યવસાય તરીકે સર્વ સ્વીકાર્ય બન્યો છે. જેના પરિણામે પશુઓનું છાણ પણ મોટા જથ્થામાં મળી રહે છે. તેમાંથી જો ગોબર ગેસ બનાવવા માટે વાપરવામાં આવે તો ગામ્ય વિસ્તારમાં જે છાણને ઉકરડામાં પશુપાલકો નાખે છે, તેનાથી ફેલાતી ગંદકીથી તેઓ બચી શકે અને તેનાથી તેમને બળતણ ખર્ચ ઉપરાંત ધુમાડાથી મુક્તિ મળી શકે.
તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગોબર ગેસ માટે યોજનાઓ અમલમાં છે.કડાણા તાલુકામાં આ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવેલ પ્લાસ્ટીકની ટાંકી વાળો ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટીકના કૂવા ઉપર પ્લાસ્ટીકની ટાંકી નાખેલી છે. જેની અંદર ગેસનો સંગ્રહ થાય છે. તેમાં કોઈ પ્રકારની બાહ્યશક્તિ કે યંત્રની જરૂરીયાત પડતી નથી, કે બીજો કોઈ અન્ય ખર્ચ પ્લાન્ટ ચલાવવામાં કરવો પડતો નથી. જ્યારે આ પ્લાસ્ટીકની ટાંકીને ગેસના સંગ્રહ માટે બહારથી બંધ કરી દેવામાં આવી છે. ટાંકીની એક બાજુ છાણ નાંખવા માટે પૂરક કુંડી બનાવેલી છે. જેમા છાણ–મળ-મુત્ર-એઠવાડ વિગેરે નાંખવામાં આવે છે. આ પુરક કુંડીમાં પાણી નાખી તાજા છાણનો રગડો તૈયાર કરી પાઈપ વાટે અંદર જાય અને ત્યાં સડે છે અને ગેસ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયેલો ગેસ જે કુવા ઉપર ટાંકી રાખેલ હોય છે,તેમાં સંગ્રહ થાય છે. અને ટાંકીને ઉપર ધકેલે છે. આ ટાંકીમાં સંગ્રહ થયેલ ગેસ પાઈપ દ્વારા જ્યાં જરૂર હોય ત્યાં લઈ જઈને તેને સીધે સીધો ઉપયોગ ગોબરગેસ સગડી દ્વારા રાંધવા માટે બળતણતરીકે થાય છે.
લાભાર્થીઓના જણાવ્યા પ્રમાણે માત્ર એક જ ટોપલામાં છાણથી આખા દિવસની રસોઇ થાય તેટલો ગેસ ઉત્પન્ન થાય છે. દરરોજ જરૂરીયાત પ્રમાણે છાણનો રગડો પૂરક કુંડીમાં ઉમેરતા રહેવાથી સાથે દરરોજ વપરાઈ ગયેલો છાણનો રગડો આપોઆપ જ તેનો નિકાલ કુંડી મારફત બહાર નીકળી ખાતરના ખાડામાં જાય છે તેમા રગડો એકઠો થાય અને સમય મળ્યે ભરેલો ખાડા ખાલી કરી લાભાર્થી ખેડૂતો સીધેસીધા ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે.
આ ગોબર ગેસ પ્લાન્ટ થકી છાણનાં વપરાશથી ગેસ બનાવીએ તો ઘરમાં વપરાશ અર્થે ચોખ્ખુ બળતણ મળી શકે અને ધૂમાડો કે અન્ય મુશકેલીઓથી બચી શકીએ અને રસોઈ પણ ઓછા સમયમાં બની શકે. બાયોમાસની દહન શક્તિ 3500 કિલો કેલેરી પ્રતિ કિલો છે. જ્યારે ગોબરગેસની દહન શક્તિ 5500 કિલો કેલેરી પ્રતિ ઘનમીટર છે અને ગેસ બન્યા પછી જે રબડી ગોબરગેસમાંથી બહાર નીકળે તે ઉત્તમ ખાતર તરીકેની ગરજ સારે છે. જેનાથી નિંદણ નાશક બી કે જંતુઓ હોતા નથી અને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છાણીયા ખાતર કરતા 0.5થી 2 ટકા વધારે અનુભવને આધારે જોવા મળે છે. તેથી લાભાર્થીઓને આર્થિક લાભ થાય છે.
કડાણા તાલુકાના બચકરીયા ગામના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને સામાજીક વનીકરણ વિભાગની ખાસ અંગભૂત યોજના હેઠળ ગોબર ગેસ પ્લાન્ટનો લાભ મેળવી તેમના જીવનમાં ખુશાલી આવી છે.