- મુખ્યપ્રધાનના નિવાસસ્થાને “મોકળા મને સંવાદ" કાર્યક્રમ યોજાયો
- મહિસાગરની બાળાએ મુખ્યપ્રધાન સાથે કર્યો સંવાદ
- કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોને સહાય
- બાળકોને શૈક્ષણિક સ્કુલ બેગ અને ફોટો ફ્રેમ આપીને જમાડ્યા
મહિસાગર: મુખ્યપ્રધાન "બાળ સેવા યોજના" અંતર્ગત મહિસાગર જિલ્લાના કોરોનાથી નિરાધાર બનેલ 9 બાળકો પૈકી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મુ.ઢેસિયા ભોયવાડા ફળીયા ગામની બાળા મુખ્યપ્રધાનના નિવાસસ્થાને “મોકળા મને સંવાદ" કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી હતી. મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ઢેસિયા ગામની ધોરણ-11માં અભ્યાસ કરતી 16 વર્ષની બાળાએ મુખ્યપ્રધાન સાથે સંવાદ કર્યો હતો.
કિશોરીએ નાની ઉંમરમાં ગુમાવી હતી માતા
કિશોરીની માતા તેની માતા વર્ષ 2008માં મૃત્યુ પામી હતી અને તેના પિતા 2020માં કોરોના સમય ગાળામાં મૃત્યુ પામતા તેની સાથે નાનો ભાઈ પણ નિરાધાર બન્યો છે. માતા પિતા વગરની આ બંને ભાઈ-બહેનનું પાલનપોષણ કરવાની જવાબદારી તેમના કાકાએ ઉપાડી લીધી હતી. આમ, મુખ્યપ્રધાન બાળ સેવા યોજના અંતર્ગત બંને ભાઈ બહેનોના ખાતામાં દર માસે રૂપિયા 4 - 4,000 જમા થાય છે. કોરોના સમય ગાળામાં બંને માતા-પિતા ગુમાવેલ બાળકો માનસિક રીતે પડી ન ભાંગે અને બાળકોને જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના બંગલા પર “મનની મોકળાસ’ કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક સ્કુલ બેગ અને ફોટો ફ્રેમ આપી તેઓને પ્રેમથી જમાડવામાં આવ્યા હતા.