કોરોના વાયરસ: મક્કા મદીનાની ફ્લાઈટ્સ રદ થતા મહીસાગરના 40 યાત્રીઓ એરપોર્ટથી પરત ફર્યા - Haj Yaatra
કોરોના વાયરસની અસરના કારણે અગમચેતીના પગલાં રૂપે સાઉદી અરબની સરકાર દ્વારા બીજા દેશોમાંથી સાઉદી અરબના મક્કા મદીનામાં થતી ઉમરાહ યાત્રા કરવા જઈ રહેલા યાત્રીઓની હવાઈ યાત્રા રદ કરાતા મહીસાગર જિલ્લાના 40 યાત્રીઓ એરપોર્ટ પરથી પરત ફર્યા છે.

મહીસાગર: સાઉદી અરબના મક્કા અને મદીનામાં મુસ્લિમ બિરાદરો ઉમરાહની યાત્રા કરવા અરબ જતા હોય છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડાના સોળ હજ યાત્રીઓ સહિત સમગ્ર મહીસાગર જિલ્લાના 40 મુસ્લિમ યાત્રીઓ સાઉદી અરબમાં ઉમરાહ યાત્રા કરવા જવા માટે વિઝા અને ટિકિટ મેળવી હજ યાત્રા કરવા માટે સાઉદી અરબ જવા એરપોર્ટ માટે નીકળ્યા હતા અને અધવચ્ચે યાત્રીઓને મેસેજ મળ્યા કે સાઉદી અરબ સરકાર દ્વારા કોરાના વાઈરસની અસરને લઈ અગમચેતીના ભાગ રૂપે સાઉદી અરબ આવતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. જેના કારણે કોઈ પણ યાત્રી ઉમરાહ યાત્રા કરવા સાઉદી અરબ આવી શકશે નહીં.
યાત્રા રદ થયાના સમાચાર મળતા જ યાત્રા કરવા નીકળેલા મહીસાગર જિલ્લાના લુણાવાડા 16 યાત્રીઓ સહિત સમગ્ર મહીસાગર જિલ્લાના 40 યાત્રીઓ એરપોર્ટ જતા પહેલા અને ઘણા ખરા એરપોર્ટ જઈને પરત વતન આવ્યા હતા.