મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવકને કારણે 16 દરવાજા ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કડાણા ડેમમાંથી 2,56,371 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાઈ રહ્યું છે અને ડેમમાં પાણીની આવક 2,75,110 ક્યુસેક નોંધાઈ રહી છે. કડાણા ડેમના 16 ગેટ માંથી 7 ગેટ 8 ફૂટ, 9 ગેટ 10 ફૂટ ખોલી 2,55,131 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હોવાથી ડેમનું જળ સ્તર 414.3 ફૂટ પર પહોંચ્યું છે.
કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડતા મહીસાગર નદી પર આવેલ હાડોળ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી હાલ પુલ પરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે અને ગાંધીનગર સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ લુણાવાડા તાલુકાના સલવાળા, ચારણગામ, વરધરી, ઉંદરા, લાલસર અને ધામોદ સહિતના ગામોનો સંપર્ક તાલુકા મથક સાથે ખોરવાયો છે.