મહીસાગર જિલ્લામાં 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર મનીષાબેન મકવાણા, કોન્ટેબલ હંસાબેન તથા પાઇલોટ રમેશભાઇને ફરજ દરમિયાન જાગૃત નાગરિકનો 181 મહિલા હેલ્પલાઇન પર કોલ મળ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, લુણાવાડાની કોટેજ હોસ્પીટલ વિસ્તારમાં કોઇ અસ્થિર મગજના એક બહેન આમ તેમ ફરી રહ્યા છે.
આ કોલ મળ્યા બાદ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ તે બહેનને શોધી તેમનું કાઉન્સેલીંગ કર્યું હતું. માનસિક અસ્વસ્થ જણાતા બહેન કંઇ પણ જણાવતાં નહોતાં તેમજ મનમાં આવે તે બોલ્યા કરતાં હતા. તેથી તેઓ માનસિક બીમાર હોય તેવું લાગતાં તેમજ તેમનું સરનામું પણ જણાવતા નહોતા. આથી તેમને નજીકના પોલીસ સ્ટેશનનું લખાણ મેળવી બાયડ ખાતે આવેલા જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટમાં તેમની માનસિક સારવાર અને બીજી અન્ય સેવાઓ મળી રહે તે માટે તે બહેનનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.
આવી રીતે ઉત્કૃષ્ટ સેવાઓ સાથે ગુજરાતમાં કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન અન્ય રાજ્યો કરતા આગવી ખાસીયતો ધરાવતી સમગ્ર દેશની પ્રથમ હેલ્પલાઇન તરીકે ઉભરી આવી છે. રાજ્ય સરકારની આ 181 અભયમ હેલ્પલાઈનની સેવા ગ્રામ્ય તેમ શહેરી વિસ્તારની જરૂરિયાતમંદ મહિલાઓ માટે સંજીવની સમાન બની રહી છે. અભયમ મહિલા સુરક્ષા હેલ્પલાઇને નારી સુરક્ષાના જાગ્રત પહેરેદારની ભૂમિકા બખૂબી અદા કરી છે. આમ, 181 મહિલા હેલ્પલાઇન ટીમ સંકટ સમયની સાંકળ બનીને લાચાર, નિરાધાર તેમજ પીડિત મહિલા માટે સંજીવની સમાન બની રહી છે.