કચ્છ: દેવપર પાસે આવેલ સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગળ લોકમેળો યોજાય છે જે જિલ્લાનો સૌથી મોટો મેળો છે. આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન છે. મિની તરણેતરના મેળા તરીકે ઓળખાતો આ મેળો 17 એકરમાં યોજવામાં આવે છે. જેમાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવશે. જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના 250 કર્મચારીઓ તો પ્રાથમિક સારવાર અર્થે આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવશે.
મેળા થકી હજારો લોકોને રોજગારી: મોટા યક્ષના મેળાનું અનેરું મહત્વ છે. આ પરંપરાગત મેળો 130 વર્ષ જૂનો છે. જૂના જમાનામાં જ્યારે સોશિયલ મીડિયા ન હતું અને ટાંચા સાધનો હતા તે સમયના નાના મોટા વેપારીઓ મેળામાં આવતા. આજે પણ અહીં રમકડાંથી માંડીને ઘર સુશોભનની વસ્તુઓ તેમજ કપડાં, પગરખાં જેવી અનેક વસ્તુઓ વેચવા વેપારીઓ આવે છે. આ મિની તરણેતરના મેળા થકી હજારો લોકોને રોજગારી પણ મળે છે. આ મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો આ મેળામાં ફરવા આવે છે તો આજકાલ ટ્રાવેલિંગ વ્લોગ બનાવતા યુવાનો પણ આ મેળાની અચૂકથી મુલાકાત લે છે.
'સમિતિ દ્વારા આ મેળા દરમિયાન 700 સ્ટોલની પ્લોટીગ તેમજ મનોરંજનના સાધનોની ફાળવણીની હરાજીની પ્રક્રિયા ચાલુ છે. દર વર્ષે ગ્રામ પંચાયતને આ મેળા થકી 8 લાખ જેટલી રકમની આવક થાય છે. અંદાજિત 10 લાખ જેટલા લોકો 4 દિવસ દરમિયાન અહીં મુલાકાત લેતા હોય છે. 600 રૂપિયાથી 1300 રૂપિયાના ભાવે હાલમાં પ્લોટીગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મનોરંજનના સાધનો જેમાં મોટા મોટા ચકડોળ, ટ્રેન, બોટ, બ્રેક ડાન્સ, ડોરા ડોરા, મોતનો કૂવો, જાદુગર, સર્કસ જેવા મનોરંજનના માધ્યમોનું પણ આયોજન કરવામાં આવશે.' - ધીરજલાલ પટેલ, અધ્યક્ષ, મોટા યક્ષ મેળા સંચાલન સમિતિ
700થી પણ વધુ સ્ટોલ: 17 એકરમાં ઊભા કરાતા આ મેળામાં 700થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવે છે. આ સ્ટોલમાં કટલેરી, ખાણીપીણી, ચકડોળ, ઈલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડિમેડ કપડાં, સર્કસ સહિતની નાની મોટી બજારો, સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ અને STની વ્યવસ્થા પણ 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવે છે. જોકે દર વર્ષે મેઘરાજા પણ આ મેળા દરમિયાન દેખા દેતા હોય છે. પરંતુ તો પણ અહીંના લોકો વરસાદમાં પણ આ મેળાની મજા માણતા હોય છે.
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર લે છે મુલાકાત: ભાતીગળ ઈતિહાસ ધરાવતા મેળામાં 8થી 10 લાખ લોકો ઉમટતા હોય છે. જિલ્લાના પાટનગર ભુજથી 35 કિલોમીટર દૂર આ મેળો યોજાતો હોય છે. લોકો અહીં જાહેર પરિવહન, પોતાના વાહનો મારફતે આરામથી પહોંચી શકે છે. અહીંથી 15 કિલોમીટર દૂર નખત્રાણા ખાતે તેઓ રોકાણ પણ કરી શકે છે. આ સમય દરિમયાન કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓ પણ આ મેળાની મુલાકાત લેતા હોય છે. આજકાલ યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ પર ટ્રાવેલ અને લાઇફ વ્લોગ બનાવતા યુવાનો પણ આ મેળામાં પોતાના હાઇટેક ગેજેટ્સ લઈને અહીં મેળામાં ફરવા આવતા હોય છે અને આ મેળાની ઝલક પોતાના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી દુનિયાભરમાં પહોંચાડતા હોય છે.
યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા: કચ્છનો આ મેળો ચાર દિવસ માટે ખુલ્લો મુકવામાં આવે છે. આ મેળામાં કચ્છ અને બૃહદ કચ્છનાં લોકો પણ મુલાકાતે આવે છે. 4 દિવસીય આ મેળામાં મનોરંજન તેમજ દરેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ, ચગડોળ સહિતનાં સાધનો પણ હોય છે. જ્યારે આજુબાજુના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની ખીર મીઠા ભાત જેને પહેડી કહેવામાં આવે છે તે ચડાવે છે. કચ્છના લોકો અહીં યક્ષ બૌતેરા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે. યક્ષ દાદાના મંદિરે નવયુગ હોય કે નાનું બાળક કે પછી મોટી વયના વૃધ્ધો પણ અહીં અચૂક શિશ ઝૂકાવે છે.