કચ્છ : 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ હંમેશા પ્રવાસીઓને આકર્ષવા અને આવકારવા સજજ હોય છે. દર વર્ષે કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બરથી 25 ફેબ્રુઆરી સુધી રણોત્સવ યોજાશે . આ વર્ષે રણોત્સવ અને ટેન્ટ સિટીની સાથે સાથે પ્રવાસીઓને કચ્છની ધરોહર અને વૈશ્વિક દરરજો મેળવનાર વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાને પણ પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બનશે.
આ વર્ષના રણોત્સવ માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે. દર વખતે 3 દિવસના પેકેજમાં પ્રવાસીઓ રણોત્સવનો આનંદ માણતા હતા ત્યારે આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઈટ અને હડપ્પન સંસ્કૃતિનું નગર ધોળાવીરાને પણ રણોત્સવના 4 દિવસના પેકેજમાં સમાવવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને રોડ ટુ હેવન માર્ગ પરથી ધોળાવીરાની મુલાકાત કરાવવામાં આવશે. એટલે અત્યારથી જ દેશ વિદેશના પ્રવાસીઓ પોતાનું બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવશે. તો ટેન્ટ સિટીમાં વિવિધ પેકેજમાં રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે...અમિત ગુપ્તા (ટેન્ટ સિટીના સંચાલક)
રણોત્સવમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરાનો સમાવેશ : કચ્છનું સફેદ રણ છેલ્લાં 2 દાયકાથી રણોત્સવના કારણે દેશવિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છની મહેમાનગતિ માણવા અને રણોત્સવ માટે ખાસ પ્રવાસીઓ કચ્છ આવે છે. ત્યારે આ વર્ષે 2023-24નું રણોત્સવ કચ્છના સફેદ રણમાં 10 નવેમ્બરે શરુ થશે અને 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વખતે રણોત્સવમાં પ્રવાસીઓને કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે. વૈશ્વિક ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને ત્યાંની હડપ્પન સંસ્કૃતિને સમજે તેવા હેતુ સાથે રણોત્સવમાં આ વખતથી ધોળવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યું છે.
ગત વર્ષે 1.71 લાખ લોકોએ મુલાકાત લીધી : છેલ્લાં 2 દાયકાથી રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે વિશિષ્ટ રીતે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ગત વર્ષે 1લી નવેમ્બર 2022થી 20મી ફેબ્રુઆરી 2023સુધીમાં કુલ 1,71,360 પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી.જેમાંથી 83 જેટલા વિદેશી પ્રવાસી હતા. તો ગત વર્ષે કુલ 31,150 વાહનોની અવરજવર થઈ હતી. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 28,120 જેટલી પરમીટ ફાળવવામાં આવી હતી જેમાંથી 23,888 લોકલ પરમીટ હતી. આ ઉપરાંત 4230 જેટલી ઓનલાઇન પરમીટ હતી. તો આ તંત્રને 2022-2023ના રણોત્સવ થકી કુલ 1,76,38,700 રૂપિયાની આવક થઈ હતી.