કચ્છઃ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. ઘરમાં તેમ જ બગીચામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો ફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવા સ્થળ નથી રહ્યા. ત્યારે ભૂજની માનવજયોત સંસ્થા છેલ્લા 20 વર્ષથી 10,000થી પણ વધુ ચકલીઘરો અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરે છે.
આ પણ વાંચોઃ World Sparrow Day : જાણો શા માટે આજના દિવસે ઉજવવામાં આવે છે 'વિશ્વ ચકલી દિવસ'
20 વર્ષથી માટીના રૂપકડા ચકલીઘરો બનાવીને નિ:શુલ્ક વિતરણઃ એક સમય હતો. જ્યારે ઘરના આંગણામાં જ ચકલા-ચકલીઓ ચીં..ચીં..કરીને આવતા અને તેમને ચોખા નાખવામાં આવતા હતા, પરંતુ આજે એ દૃશ્યો અને ચકલીઓ લુપ્ત થઈ રહી છે. શહેરના આધુનિક વિકાસમાં ચકલીઓને દેખાવું પણ દુર્લભ બની ગયું છે. ચકલીઓને બચાવવા અનેક વર્ષોથી પર્યાવરણપ્રેમીઓ પ્રયત્ન કરી રહ્યા છે
આજે ચકલીઓ ખોવાઈ ગઈ છે માળા માટે જગ્યા નથીઃ માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ખરેખર આજે ચકલીઓ માટે જાગૃતિની જરૂર છે. આજે ચકલીઓ ખોવાઈ ગઈ છે ત્યારે ચકલીઓ માટે માળો બનાવવા જગ્યા નથી, ત્યારે તેમના માટે ઘર જરૂરી છે, જયાં પીવાના પાણી અને ચણની વ્યવસ્થા પણ હોય, જેથી વધુને વધુ પક્ષીઓ આવતા થાય. ત્યારે આ ચકલીઘરમાં ચકલીઓ માળો બાંધી ઈંડા મૂકીને બચ્ચા ઉછેર કરે છે.
સંસ્થા દ્વારા અનેક જગ્યાએ ચકલીઘરો મૂકાયાઃ માનવજયોત સંસ્થાએ રૂપકડાં માટીના ચકલીઘર બનાવ્યા છે, જે ચકલીઓને પરત લાવવા મદદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ માટીના ચકલીઘર મકાન ઉપર, છત ઉપર, વૃક્ષોમાં ક્યાંય પણ તેને લટકાવી શકાય છે. શરૂઆતના સમયમાં ચકલીઓ આ ઘર પર વિશ્વાસ નહીં કરે પણ ત્યારબાદ ધીમેધીમે ચકલી માટીના ઘરમાં આવ જાવ કરશે અને પછી તેમાં માળુ બાંધશે. માનવજયોત સંસ્થાએ કચ્છના અનેક ગામડામાં આવા ચકલીઘરો મુક્યા છે. આ ચકલીઘરની અંદર ચકલીઓ માળો બાંધે છે. ઉપરાંત આ ઘરમાં અન્ય પક્ષીઓ પણ પોતાના માળા બાંધે છે.
દર વર્ષે 10,000થી પણ વધારે ચકલીઘરોનું વિતરણઃ છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા લોકોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. ઉપરાંત તેમની સાથે અનેક સંસ્થાઓ પણ ચકલીઘરો અને કુંડા લે છે. જોકે, શરૂઆતના સમયમાં 100થી 200 જેટલા ચકલીઘરોનું વિતરણ થતું હતું. જ્યારે આજે 10,000 જેટલા ચકલીઘરો અને પાણીના કુંડાઓનું વિતરણ થઈ રહ્યું છે. તો આ વર્ષે હજી ઉનાળાની શરૂઆત થઈ છે ને અત્યાર સુધીમાં 10,000 જેટલા ચકલીઘરો અને કુંડાઓનું વિતરણ થઈ ચૂક્યું છે. ત્યારે આ વર્ષે સૌથી વધારે માત્રામાં ચકલીઘરોનું વિતરણ કરવામાં આવશે. આજે આ ચકલીઘરો ઘરોની શોભા પણ વધારે છે.
આ પણ વાંચોઃ Research on Sparrow : ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે!
સંસ્થાના ચકલીઘરો વિદેશમાં પહોંચ્યાઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળામાં કુંડા-ચકલીઘરનું વિતરણ શરુ કરી દેવામાં આવે છે લોકોને જરુરીયાત અને માંગને પહોંચી વળવા અગાઉથી જ ચકલીઘર તૈયાર કરવામાં આવે છે. અનેક સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો કુંડા ઉપર સંસ્થા-મંડળનું નામ લખાવી પોતાના ગામની અંદર વિતરણ કરે છે.ઉલ્લેખનીય બાબત એ છે કે આ ચકલીઘરો અને કુંડાથી વિદેશીઓ પણ આકર્ષાયા છે.કચ્છ બાદ આ ચકલીઘરો અમદાવાદ, રાજકોટ, જામનગર, મોરબી તથા દેશ વિદેશ સુધી પહોચ્યા છે. વિદેશથી આવતા NRI લોકો પણ ખૂબ આકર્ષાય છે અને માનવજયોતના ચકલી ઘર વિદેશીની ધરતી સુધી પહોંચ્યા છે.