કચ્છ : મન હોય તો માળવે જવાય પંક્તિને સાર્થક કરતું કાર્ય એક વ્યક્તિ કરી બતાવ્યું છે. આ વ્યક્તિએ બધું ગુમાવ્યા બાદ પણ ફરી દેશ અને સમાજને ગર્વ થાય તેવો મુકામ હાંસલ કરીને બતાવ્યો છે. આ વ્યક્તિને ગંભીર અકસ્માતમાં 95 ટકા દિવ્યાંગતા આવી ગઈ હતી. ત્યારબાદ એક સમય એવો પણ આવ્યો કે આ વ્યક્તિને રેલવે સ્ટેશન પર ભીખ માંગવી પડી હતી. ત્યારે રેલવે સ્ટેશન પર ભીખ માંગતો યુવક આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્હીલચેર ક્રિકેટને વિકસાવી રહ્યો છે. આવો જાણીએ બધું ગુમાવ્યા બાદ પણ સફળતાના શિખર પર પહોંચનાર વ્હીલચેર ક્રિકેટરની સંઘર્ષગાથા...
કોણ છે મનીષ પટેલ : આ વાત છે મનથી હારી ચૂકેલા વ્યક્તિને પણ કઈક કરી દેખાડવા પ્રેરિત કરે એવી આ સંઘર્ષગાથા વ્હીલચેર ક્રિકેટર મનીષ પટેલની છે. મનીષ પટેલ ઈન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલના (IWCC) ફાઉન્ડર અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસસિયેશન બોર્ડના ચેરમેન છે. તેઓ ગુજરાતના પહેલા વ્હીલચેર ક્રિકેટ ખેલાડી છે. જેઓ અનેક દેશ સામે વ્હીલચેર ક્રિકેટ રમ્યા છે અને દેશનું નામ રોશન કર્યું છે. મનીષ પટેલે પોતાના સફર તેમજ સંઘર્ષ અંગે ETV Bharat સાથે વાતચીત કરી હતી. મૂળ મહેસાણાના અને કચ્છમાં જેમનું મોસાળ છે તેવા મનીષ એન. પટેલનો જન્મ 1975 માં થયો હતો. પરિવાર ખુશખુશાલ જીવન જીવી રહ્યું હતું. પરંતુ 10 થી 11 મહિનાની ઉંમરમાં જ મનીષ પટેલે અકસ્માતમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમના દાદીએ તેમને મોટા કર્યા છે. ધીમે-ધીમે સંઘર્ષમાં ભણ્યા અને આગળ વધવા માટે એક દિશા અપનાવી. ત્યારબાદ તેઓ અનાથ આશ્રમમાં પણ રહ્યા. થોડા વર્ષો બાદ તેમના લગ્ન થયા.
અકસ્માતમાં બન્યા દિવ્યાંગ : વર્ષ 2004 માં તેમનો ટ્રક સાથે અકસ્માત થયો. અકસ્માતમાં તેમને એક પગ ગુમાવવો પડ્યો જ્યારે બીજા પગમાં અને હાથમાં સળિયા નાખવા પડ્યા હતા. આમ તેઓ આજીવન દિવ્યાંગ બની ગયા. અકસ્માત અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, અકસ્માતની સારવાર પાછળ જીવનભરની મૂડી જતી રહી હતી. એકાદ બે વર્ષ સુધી તેઓ માંડ માંડ ઊભા થઇ શકતા હતા.
દિવ્યાંગ પરિસ્થિતીમાં થયું કે, હવે શું કરવું ? ત્યારે બેસી ન રહી અને કોઈ પર બોજ ન બની જીવન જીવવા માટે અનેક જગ્યાએ ભીખ માંગીને ખાવાનું શરૂ કર્યું. થોડોક સમય જુદા જુદા રેલવે સ્ટેશન પર સમય પસાર કર્યો. પરંતુ કુદરતને તો કંઈ ઓર જ મંજૂર હતું. મને થોડો ઘણો ક્રિકેટનો શોખ હતો. ધીમે-ધીમે હિંમત રાખી રસ્તા પર અથવા મિત્રો સાથે ક્રિકેટ રમવા લાગ્યો. ત્યારે મનમાં આવ્યું કે, હું કઈ એવું કરું જેનાથી સૌને પ્રેરણા મળે અને દેશ દુનિયામાં લોકો મને જાણે.-- મનીષ પટેલ (ફાઉન્ડર, ઈન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલ)
પ્રથમ વ્હીલચેર ક્રિકેટર : અંગે વાત કરતા મનિષભાઈ જણાવે છે કે, તેમના મિત્રો પાસેથી વ્હીલચેર ક્રિકેટ અંગે માહિતી મળી. ભારે સંઘર્ષ બાદ તેઓની ભારતની ટીમમાં પસંદગી થઈ હતી. વર્ષ 2012 પછી તેઓ વ્હીલચેર ક્રિકેટની સ્થાપના કરી અને આજે તેઓ અનેક દિવ્યાંગ ભાઈઓને પ્રેરણા આપી રહ્યા છે. મનીષ ભાઈએ ગુજરાતમાં પ્રથમ વ્હીલચેર ક્રિકેટની સ્થાપના કરી અને અનેક ક્રિકેટપ્રેમી દિવ્યાંગ ભાઈઓને મદદ કરી રહ્યા છે. હાલ તેઓ વ્હીલચેર ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આમ મનીષ પટેલે અનેક લોકો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
પ્રેરણારુપ કારકિર્દી : મનીષ પટેલ છેલ્લા બે દાયકાથી વ્હીલચેર ક્રિકેટ રમે છે. તેમણે ઇન્ડીયન વ્હીલચેર ક્રિકેટ બોર્ડ અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ બોર્ડની સ્થાપના કર્યા બાદ ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલની પણ સ્થાપના કરી હતી. આગામી ડિસેમ્બરમાં તેઓ પ્રથમ વ્હીલચેર ક્રિકેટ એશિયા કપનું આયોજન કરશે. દિવ્યાંગ લોકો વ્હીલચેર ક્રિકેટ સહિત અન્ય કોઈ પણ રમતમાં કંઈ રીતે આગળ વધી શકે તે માટે કાર્ય કરી રહ્યા છે. ઉપરાંત દિવ્યાંગ લોકોને કઈ રીતે રોજગારી મળે એ વિશે જાગૃતતા લાવવા તેઓ હાલમાં કામ કરી રહ્યા છે.