- કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 32 ટકા જેટલો જ વરસાદ
- કચ્છ જિલ્લાના 4 તાલુકાઓના 32 ગામો અને 31 પરામાં 20 ટેન્કરો મારફતે પાણી પહોંચાડાયું
- હાલ કચ્છ જિલ્લામાં પાણીની કોઈ કટોકટી નથી: મુખ્ય ઇજનેર
કચ્છઃ ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતો, માલધારીઓ તો ચિંતામાં મુકાયા જ છે ઉપરાંત હવે આમ જનતા માટે પણ પાણીની સમસ્યા ઊભી થઇ રહી છે.કચ્છ જિલ્લાના મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમોમાં પણ જળાશયનો કુલ સંગ્રહ માત્ર 20.17 ટકા જેટલો જ છે. હાલ કચ્છ જિલ્લાના અમુક ગામડાઓમાં વસતા લોકો માટે પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લાના 4 તાલુકાઓના 32 ગામો અને 31 પરામાં હાલ પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આમ તો કચ્છ જિલ્લામાં વારંવાર દુષ્કાળ થતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે માત્ર 32 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. આવનારા સમયમાં વરસાદ નહીં પડે તો પાણીની કટોકટી પણ સર્જાઈ શકે છે.કચ્છ જિલ્લાના 4 તાલુકાઓના 32 ગામો અને 31 પરામાં હાલ પાણીના ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા 7 ખાતાકીય ટેન્કર અને 13 ખાનગી ટેન્કર એમ મળીને કુલ 20 ટેન્કર દ્વારા 32 ગામો અને 31 પરામાં હાલ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
32 ગામડાઓ પૈકી 31 ગામડાઓમાં હંગામી ધોરણે ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે
ભુજ તાલુકાના 13 ગામ અને 9 પરા, નખત્રાણા તાલુકાના 1 ગામ અને 2 પરા, રાપર તાલુકાના 16 ગામ અને 20 પરા તથા ભચાઉ તાલુકાના 2 ગામમાં પાણીના ટેન્કરો પહોંચાડવામાં આવી રહ્યું છે. 32 ગામડાઓ પૈકી 31 ગામડાઓમાં હંગામી ધોરણે ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જ્યારે ભુજ તાલુકાના કોટાય ગામમાં 1 ગામમાં કાયમી ધોરણે પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવે છે.
7 ખાતાકીય ટેન્કર અને 13 ખાનગી ટેન્કર
પાણી પુરવઠાના ખાતાકીય 7 ટેન્કરો છે જેની ક્ષમતા 10,000 લીટરની છે, જેમાં નખત્રાણા, ભુજ અને રાપર તાલુકામાં 2-2 ટેન્કરો છે જ્યારે ભચાઉ તાલુકામાં 1 ખાતાકીય ટેન્કર છે. ઉપરાંત 13 ખાનગી ટેન્કરોની વાત કરવામાં આવે તો રાપર તાલુકામાં 8 તેમજ ભુજ તાલુકામાં 5 ખાનગી ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.
ખાતાકીય ટેન્કરના 31 જ્યારે ખાનગી ટેન્કરના દરરોજ 69 ફેરા
પાણી પુરવઠાના જે ખાતાકીય ટેન્કર છે જે 10,000 લીટર પાણી ધરાવતા હોય છે તેના દરરોજ 31 ફેરા કરવામાં આવતા હોય છે જેમાં નખત્રાણા તાલુકામાં 3, રાપર તાલુકામાં 7, ભચાઉ તાલુકામાં 4 અને ભુજ તાલુકામાં 17 ફેરાનો સમાવેશ થાય છે.જ્યારે ખાનગી ટેન્કરોની વાત કરવામાં આવે તો તેમાં જુદી જુદી ક્ષમતાના ટેન્કર હોય છે જેમ કે 5000 લીટર, 10,000 લીટર અને 20,000 લીટર અને ખાનગી ટેન્કરોના દરરોજ કુલ 69 ફેરા કરવામાં આવતા હોય છે.જેમાં ભુજ તાલુકામાં 8 ફેરા છે તે 5000 લીટર પાણી ધરાવતા ટેન્કરના હોય છે જ્યારે 19 ફેરા છે તે 20,000 લીટર પાણી ધરાવતા ટેન્કરના હોય છે તથા રાપર તાલુકામાં 42 ફેરા 20,000 લીટર પાણી ધરાવતા ટેન્કરના હોય છે.
હાલ કચ્છ જિલ્લામાં પાણી ની કોઈ કટોકટી નથી: મુખ્ય ઇજનેર
આ અંગે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેર એ.જી. વનરાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હાલ કચ્છ જિલ્લામાં પાણીની કોઈ કટોકટી નથી, ગુજરાત સરકારે આયોજન કરીને પૂરતું પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે.હાલમાં કચ્છમાં બલ્ક પાઇપલાઇનની વ્યવસ્થા છે તેના મારફતે 400 MLDની જરૂરિયાત છે તેની સામે 350 MLD પાણી મળી રહ્યું છે અને બાકીનું જે 100 MLD પાણી છે તે રિઝર્વનલ વોટર સપ્લાય સ્કીમનો સોર્સ છે જે લોકો સોર્સ છે, ડેમ છે, બોર છે તેમાંથી મળી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં 884 ગામોમાંથી 650 ગામોમાં જૂથ યોજનાનું પાણી પહોંચી રહ્યું છે
કચ્છ જિલ્લામાં 884 ગામોમાંથી 650 ગામોમાં જૂથ યોજનાનું પાણી પહોંચી રહ્યું છે.માંડવી, નખત્રાણા, મુન્દ્રા , અંજાર જેવા વિસ્તારો કે જ્યાં બોરની વ્યવસ્થા છે તે મારફતે ગામના લોકો પાણી મેળવી રહ્યા છે માટે હાલમાં કોઈ પણ જાતની પાણીની સમસ્યા નથી. આ ઉપરાંત રાપર તાલુકામાં પાણીના ટેન્કર વધારે જઈ રહ્યા છે કારણ કે ત્યાં વાંઢોની કનેક્ટીવિટી નથી અને નર્મદાના પાણી અપર્યાપ્ત છે અને હાલ 32 ગામો અને 31 પરામાં પાણીના 20 ટેન્કરોના 100 ફેરા ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા સુખી ડેમ માંથી પાણી છોડવાની માગ
આ પણ વાંચોઃ માળિયા તાલુકાના છેવાડાના ગામમાં પાણી ન મળતા ખેડૂતો રોષે ભરાયા