બુધવારના રોજ ભૂજની વાયબલ હૉસ્પિટલની બહાર કચરા પેટીમાંંથી બાયો મેડિકલ વેસ્ટ ખાતી ગાયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારથી તંત્ર હરકરતમાં આવ્યું છે. વિવિધ હૉસ્પિટલની સાથે વાયબલ હોસ્પિટલમાં પણ તપાસ આદરવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ તેની તપાસ કરતા આ બાયોવેસ્ટ ભુજની ખાનગી હોસ્પિટલ વાયેબલનુ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરતાં હૉસ્પિટલ દ્વારા બાયોવેસ્ટનો નિકાલ યોગ્ય રીતે ન થતો હોવાનુ ખુલ્યું હતું.
આ વિગતો સામે આવતાં કચ્છ કલેક્ટરે મામલાને ગંભીર ગણી આરોગ્ય વિભાગના પ્રાથમિક અહેવાલ બાદ વાયેલબ હૉસ્પિટલમાં અલગ-અલગ વિભાગોની ટીમ બનાવી ચકાસણી શરૂ કરી છે. તપાસ અહેવાલ બાદ ગંભીર બેદરકારી સામે પગલા નિર્દેશ અપાયા છે. સાથે સમગ્ર કચ્છની ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ માટેના આદેશ કરાયાં છે.
ભુજના હૉસ્પિટલ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલોમાં આવી બેદરકારી અનેકવાર સામે આવી છે. પરંતુ તપાસ અને કાર્યવાહી બાદ પણ હોસ્પિટલના સંચાલકો સુધરતાં નહોતા. આ વીડિયો સામે આવતા તંત્ર અને સંચાલકો બન્ને શરમમાં મુકાયા છે. જેથી સંચાલકોને આ મુદ્દે કાર્યવાહી કરવાની ફરજ પડી છે. જો કે, આ સ્થિતી ક્યાં સુધી રહેશે અથવા તો રહેશે કે કેમ તે જાણવું રસપ્રદ રહેશે.