વડોદરા : ગુજરાતમાં દરેક સ્થળે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ વડોદરામાં ભક્તિનો માહોલ જામી રહ્યો છે. અલગ અલગ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી નહી રહેનારા લોકો પણ વડોદરામાં રહીને આ ઉત્સવોની ઉજવણી કરીને રામભક્તિમાં શામેલ થશે. ભગવાન રામના સ્મરણોને યાદ કરશે.
બાઇક રેલીનું આયોજન : આ નિમિત્તે વડોદરામાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ ભારતીય જનતા યુવા મોરચા અને સનાતની રામ સેના દ્વારા તા.22મી જાન્યુઆરી સોમવારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી હરણી ભીડ ભંજન મંદિરથી રવાના થશે અને શહેરની વિવિધ વિસ્તારોમાં ફરીને કાલાઘોડા સર્કલ ઉપર આવેલા રામજી મંદિર ખાતે સમાપન થશે. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં રામભક્ત યુવાનો જોડાવાના છે.
સાયકલ ઉપર 1,237 કિ.મી.નું અંતર કાપી અયોધ્યા પહોચશે : વડોદરા શહેરના ચાર મિત્રો સાયકલ ઉપર 1,237 કિ.મી.નું અંતર કાપી 12 થી 14 દિવસમાં અયોધ્યા પહોંચશે. શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી પાસે રહેતા ચાર યુવાનો સાયકલ લઇને અયોધ્યા પહોંચશે. આ યુવાનોની સાયકલ યાત્રાનો આજે વડોદરાથી પ્રારંભ થયો હતો. જો કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે અયોધ્યામાં આમંત્રિતો સિવાય અન્ય કોઇની એન્ટ્રી ઉપર પ્રતિબંધ હોવાથી શક્ય છે આ યુવાનોને 23 જાન્યુઆરી પછી ભગવાન શ્રી રામના દર્શન કરવાનો મોકો મળે. જેથી તેઓ ત્યાં વિરામ કરીને ભગવાન શ્રીરામના શ્રદ્ધાભેર દર્શન કરી પરત ફરશે.
વડીલોના આશીર્વાદ લીધાં : વડોદરા એક સંસ્કાર નગરી છે.આ સંસ્કારી નગરીના ચાર જેટલા યુવાનો 1200 ઉપરાંત કિલોમીટરનું અંતર સાયકલ ઉપર કાપીને ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે ત્યાં પહોચવાના છે. ત્યારે આ સંસ્કારી નગરીના ચાર યુવાનો વડીલોના આશીર્વાદ મેળવીને સાયકલ યાત્રા શરૂ કરી હતી અને વડીલોએ તેઓને ઉમંગભેર આશીર્વાદ આપી આ યાત્રા સફળ નિવડે તેવા આશીર્વાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું.