કચ્છ : કચ્છમાં સાઈકલોનિક સકર્યુલેશનની અસરના કારણે છેલ્લાં ચાર દિવસોથી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે કરા સાથેના વરસેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે. ભુજ તાલુકાના સુમરાસર-શેખ ગામમાં ઘઉં,એરંડા અને રાયડાનો ઊભેલો પાક અને પશુઓ માટેના ચારાને ભારે વરસાદ અને કરાને લીધે નુકસાન થયું છે.
કરાના વરસાદનો કેર : જિલ્લામાં છેલ્લાં ચારેક દિવસથી બપોર બાદ ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને ભારે ગાજવીજ અને પવનના તોફાન વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભુજ તાલુકામાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડયા પછી ખેતીવાડીને ભારે નુકસાન થયું છે. તાલુકાના સુમરાસર-શેખ અને ઢોરી વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ગામના વાડી વિસ્તારમાં મોટાભાગે ઘઉંનો પાક તૈયાર થઇ જતાં ખેડૂતોએ કાપણી કરી રાખી હતી તો અન્ય પાકો એરંડા અને રાયડાનો ઊભેલો પાક અને પશુઓ માટેના ચારાનો કરાને લીધે પાક નાશ પામ્યો છે.
કયા પાકમાં નુકસાન : ભુજ તાલુકાના સુમરાસર-શેખ ગામ ખાતે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોને મોટાપાયે ઘઉં, એરંડો, રાયડાના પાકમાં નુકસાન થયું હતું, તો સાથે પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન થયું છે. જ્યારે આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી. સરકાર દ્વારા સર્વે હાથ ધરીને સહાય આપવામાં આવે નહીં તો ખેડૂતો પાયમાલ થઈ જશે. કરાના કારણે એરંડો અને રાયડાના પાક ખરી ગયા છે તો ઘઉં પણ કાળા પડી ગયા છે.
આ પણ વાંચો Damage Crop Survey : પાક સર્વે માટે રાજ્ય સરકારના આદેશ, જિલ્લા કૃષિ અધિકારીઓ આપશે અહેવાલ
90 થી 95 ટકા નુકસાની : સુમરાસર-શેખ ગામના ખેડૂત હરિભાઈ આહીરે જણાવ્યું હતું કે,વાવણીમાં ઘઉં, રાયડો, જીરું, એરંડાના પાકની વાવણી કરવામાં આવી હતી પરંતુ કમોસમી વરસાદના કારણે ઘણો નુકસાન થયું છે. વરસાદ સાથે ભારે પવન હતો અને તેના કારણે ઘઉંનો પાક પડી ગયો છે. ઉપરાંત એરંડાનો ઉપરનો માલ પણ નીચે ખરી ગયો છે. 90 થી 95 ટકા જેટલી નુકસાની પાકોમાં થઈ છે ત્યારે સરકાર કોઈ સહાય કરે તો ખેડૂતોને પાયમલ થતાં બચાવી શકાશે. વરસાદ પડ્યો એટલે ઘઉંની ગુણવતા ખરાબ થઈ જાય, નહીં તો આ વર્ષે બજારમાં સારા ભાવ મળવાની આશા હતી. પરંતુ જે રીતે પાકની વાવણી કરી હતી અને હવે જ્યારે કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે મહેનત પર પાણી ફરી વળ્યુ છે.
બધું પાણીમાં જશે : અન્ય ખેડૂત હરિભાઈ ગાગલે જણાવ્યું હતું કે, હાલ રાયડા તૈયાર થઈ ગયા હતા અને ઘઉંની પણ હાલત જોઈએ અત્યારે તો એમાં ગુણવતા પણ બહુ નબળી પડી ગઈ છે અને ખાવાલાયક જ ન કહેવાય. ઘઉંના પાકમાં તો 90 ટકા જેવું નુકસાન છે. એરંડામાં પણ ઘણું બધું માલ ખરી ગયો છે એ પણ હાથમાં નથી આવવાનું. ઘાસચારો છે એ પણ પલળી ગયા છે એમાં પણ ગુણવતા બહુ નબળી પડી જાય એમાં ભાવમાં માર પડશે અને મહેનતમાં પણ માર પડશે. જેટલી મહેનત હતી એના કરતાં પણ ઘણી બધી મહેનત વધી જશે અને અડધો માલ 50 ટકા જેટલો માલ જ કામ આવશે એને ઉથલ પાથલ કરાશે. સૂકવવામાં આવશે અને તેમાં પણ હજી વધુ વરસાદ આવે તો બધું પાણીમાં જશે.
દાણો કાળો થઈ ગયો : યુવા ખેડૂત રવજી ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લાં 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘઉંના પાક અત્યારે લણવાની તૈયારીમાં હતા એ ઘઉંના પાક ઉભા પાક ઉપર વરસાદ પડવાથી સંપૂર્ણ પાક પડી ગયો છે. એટલે વાઢવામાં મુશ્કેલી પડે છે અને જે વાઢેલ પાક હતો એના ઉપર પાણી પડવાથી એ ભાગ પલળી ગયો છે અને એનો દાણો અંદરથી કાળો થઈ ગયો છે.
શાકભાજીને નુકસાન : બીજી તરફ એરંડામાં કરાનો વરસાદ પડવાથી એરંડા સંપૂર્ણ તૂટી ગયા છે અને શાકભાજીમાં મોટા ભાગે ટામેટામાં નુકસાન છે. ટામેટા સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા હતા અને બજારમાં મૂકવાની તૈયારી હતી ત્યારે જ્યારે કરાનો વરસાદ પડ્યો અને ટમેટા સંપૂર્ણ ખરી ગયા છે અને એના ઝાડને પણ મોટું નુકસાન થઈ જાય છે. સરકાર તાત્કાલિક સર્વે કરાવી અને જે પ્રમાણે નુકસાની છે તે માત્ર ને માત્ર એક કાગળ ઉપર ન રહે અને ગ્રાઉન્ડ પર આવી અને જે પણ નુકસાની છે એનું સર્વે કરી અને તાત્કાલિક ખેડૂત સુધી તેની સહાય પહોંચાડે તેવી માંગણી છે.