- કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલ તંત્રને રાહત
- હોસ્પિટલમાં બેડ થઈ રહ્યા છે ખાલી
- ઓક્સિજન બેડ પણ ખાલી
કચ્છ: કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) માં એક સમય એવો હતો જ્યારે કોરોનાના કેસો સતત વધી રહ્યા હતા અને લોકોને સારવાર મેળવવા માટે વલખા મારી રહ્યા હતા કારણ કે કોઈ હોસ્પિટલ કે કોવિડ સેન્ટરમાં બેડ ખાલી નહોતા. લોકોને બેડ માટે રાહ જોવી પડી રહી હતી અને હાલમાં હવે કેસો સતત ઘટી રહ્યા છે ત્યારે તમામ સેન્ટર પર ખાલી બેડોની સંખ્યા વધી ગઈ છે.
હાલ કચ્છ જિલ્લામાં કુલ 2855 બેડ ઉપલબ્ધ
શરૂઆતના સમયમાં જ્યારે કચ્છ જિલ્લામાં કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો હતો ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલ અને કોવિડ સેન્ટરમાં 4141 બેડ હતા અને જેમાંથી 1400 જેટલા બેડ ખાલી હતા જેમાં સરકારી હોસ્પિટલોમાં એક સમયે એક પણ બેડ ખાલી મળતાં ન હતાં.હાલમાં કચ્છ જિલ્લામાં 4054માંથી કુલ 2855 બેડ ખાલી છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાનો કહેર હવે એકદમ નિયંત્રણમાં, 95 ટકા રિકવરી રેટ, 90 ટકા કોવિડ સેન્ટર બંધ કરાયા
ભુજમાં પણ કેસમાં ઘટાડો
ભુજમાં આવેલ જી કે જનરલ હોસ્પિટલમાં એક સમયે 470 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ જેમાંથી દર્દીને એક પણ બેડ ખાલી નહોતો મળતો, હાલ જ્યારે કેસો ઘટી ગયા છે ત્યારે 470 માંથી 315 બેડ હાલ ખાલી છે.ભુજ તાલુકામાં 36 સ્થળો પર કોરોનાની સારવાર માટે 1570 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાંથી હાલમાં 1010 બેડ ખાલી છે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના સાગરમાં તૈયાર થયા ચાઇલ્ડ કોવિડ સેન્ટર
ઓક્સિજન બેડ પણ ખાલી
જે સમયે કેસો વધી રહ્યા હતા ત્યારે ઓક્સિજનની સુવિધા વાળા 1471 બેડ હતા જેમાંથી 267 જેટલા જ બેડ ઉપલબ્ધ હતા અને HNFC, BI PAP તથા વેન્ટિલેટરની સુવિધા સાથેના 222 બેડમાંથી 17 જ બેડ ખાલી જોવા મળ્યા હતાં. હાલમાં કચ્છ જિલ્લામાં ઓક્સિજનની સુવિધાવાળા 1867 બેડ હાલમાં છે જેમાંથી 1257 બેડ ખાલી છે જ્યારે HFNC, BI PAP અને વેન્ટિલેટરની સુવિધા સાથેના 242 બેડ છે જેમાંથી હાલમાં 112 બેડ ઉપલબ્ધ છે.