- કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરેલી બાળકી નિયતિને લંડનના દંપતિએ દતક લીધી
- કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક બાજુ ખુશી તો એક બાજુ ગમની લાગણી ફેલાઇ
- નિયતિ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પારણામાં મળી આવી હતી
કચ્છ: બે વર્ષ અગાઉ ભુજના કચ્છ મહિલા કેન્દ્રના પારણામાં નિયતિને તેની માતા 15 દિવસની હતી તે દરમિયાન ત્યજીને છોડી ગઈ હતી. નિયતિ 3 મહિનાની થઈ ત્યારે તેના વાલ્વમાં બે કાણા હોવાનું જણાતા સંસ્થા દ્વારા સારવાર માટે ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મા ભલે નહોતી પણ તેની મદદે સરકારી મા કાર્ડ આવ્યું હતું. મા કાર્ડની મદદથી આણંદના કરમસદની હોસ્પિટલમાં તેના હાર્ટની જોખમી સર્જરી થઈ હતી અને તે સર્જરી સફળ રહી હતી. જે બાદ નિયતિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી.
નિયતિને દતક લીધા બાદ લંડનના દંપતીએ ખુશી વ્યક્ત કરી
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે શનિવારે નિયતિને દતક લેવા માટે લંડનમાં સ્થાયી થયેલાં ભારતીય મૂળના અક્ષય બાસગોડ અને તેમના ગુજરાતી પત્ની આરતી વારિયાએ સરકારી ધારા-ધોરણો મુજબ પ્રક્રિયા કરીને નિયતિને દત્તક લેવા માટે આવી પહોંચ્યા હતા. નિઃસંતાન અક્ષય અને આરતીએ જ્યારે પહેલીવાર નિયતિનો ફોટો જોયો ત્યારે જ મનોમન તેને પોતાની દીકરી માની લીધી હતી. આજે નિયતિને દતક લીધા બાદ લંડનના દંપતીએ ખુશી વ્યક્ત કરી હતી.
લંડનના દંપતીએ નિયતિનું નામ નિયા રાખ્યું
અક્ષય લંડનની એક ખાનગી કંપનીમાં HR મેનેજર છે. જરૂરી કાયદેસર કાર્યવાહી માટે છેલ્લાં એક માસથી તેઓ ભુજમાં જ રોકાયાં હતા. આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે વિધિવત્ રીતે નિયતિ તેમના હાથમાં સોંપવામાં આવી હતી અને આ લંડનના દંપતીએ નિયતિનું નામ નિયા રાખ્યું હતું. આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા નિયતિના તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ તેના માતા પિતાને સોંપવામાં આવ્યા હતાં. આ દતક વિધિના કાર્યક્રમમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના તમામ સભ્યો તેમજ ઉપસ્થિત લોકો પણ ભાવુક થયા હતાં. આ ઉપરાંત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા સરકારની નવી પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ અત્યારસુધીમાં 4 દીકરી અને 4 દીકરા સહિત 8 બાળકો વિદેશમાં દત્તક અપાયેલાં છે.
નિયતિને એક શ્રેષ્ઠ જીવન આપવા ઇચ્છીએ છીએ: અક્ષય બાસગોડ
નિયતિને દતક લેતા પિતા અક્ષય બાસગોડે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "અમે જેટલો પ્રેમ નિયતિને કરશું એનાથી અનેક ઘણો વધારે પ્રેમ અમને નિયતિ આપશે. તેની અમને ખાતરી છે. અમારા લગ્નને 8 વર્ષ થઈ ચૂક્યા છે અને અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે અમે એક નાનકડી બાળકીને એક શ્રેષ્ઠ જીવન આપવા ઇચ્છીએ છીએ અને અમે આ દતક લેવા માટેની પ્રક્રિયામાં જોડાઈ ગયા. અમે નિયતિને એ તમામ સુવિધાઓ, પ્રેમ, વસ્તુઓ આપવા ઇચ્છીએ છીએ જે એક બાળકીને મળવું જોઈએ. નિયતિને સારું શિક્ષણ અને આરોગ્ય આપવામાં આવશે."
આ સમય માટે ઘણી રાહ જોઈ છે: આરતી વારિયા
નિયતિને દતક લેતા માતા આરતી વારિયાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "મને બહુ ઉત્સુકતા હતી અને આ સમય માટે ઘણી રાહ જોઈ છે. આજે જ્યારે નિયતિ અમારી સાથે છે ત્યારે અમે બહુ ખુશ છીએ અને બાદ હવે જલ્દીથી જલ્દી અમે પાછા લંડન પહોંચીએ અને નિયતિની સાથે નવી જિંદગી શરૂ કરીએ એની રાહ જોઈ રહ્યા છીએ."
એક બાજુ ખુશીની લાગણી છે તો એક બાજુ ગમ: પ્રમુખ, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળા વ્યાસે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "નિયતિ અમારા પાસે બે વર્ષ અગાઉ ત્યજેલી હાલતમાં મળી આવી હતી અને ત્યાર બાદ તેનું ભરણપોષણ અહીં જ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 3 મહિનાની થઈ હતી ત્યારે એમને જાણ થઈ હતી કે નિયતિના વલ્વમાં કાણું છે ત્યારે અને એની સારવાર આણંદના કરમસદની હોસ્પિટલમાં કરાવી હતી ત્યાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. આ દીકરીને અમે CARA (Central Adoption Resource Authority) ની વેબસાઇટ પર મૂકી હતી અને લંડનના આ દંપતિ દ્વારા દતક લેવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી અને આજે તેને લંડનના દંપતીને સોંપવામાં આવી છે. આ પ્રસંગે મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક બાજુ ખુશીની લાગણી છે તો એક બાજુ ગમ પણ છે."