- કચ્છના એક ગામમાં કાળી ભેંસે સફેદ પાડીને જન્મ આપ્યો
- લોકો કુતૂહલવશ થઈ પશુપાલકના ઘરે પહોંચ્યા
- પશુપાલકનો પરિવાર પણ આશ્ચર્યમાં મૂકાયો
કચ્છ: જિલ્લાના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામમાં મોટાભાગના લોકો માલધારીઓ છે તથા વારસાગત રીતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગામના જ લીલાધરભાઈ દોહટના ઘરે ભેંસે એક સફેદ પાડીને જન્મ આપ્યો છે. ભેંસે જે પાડીને જન્મ આપ્યો છે તેનો દેખાવ પણ વાછરડી જેવો છે અને તેનો રંગ સફેદ છે.
સફેદ પાડીને જોવા લોકોના ટોળા ઉમટ્યાં
લીલાધરભાઈ દોહટનો પરિવાર પણ પેઢીઓથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પરંતુ આવો કિસ્સો ખુદ પશુપાલકો માટે પણ આશ્ચર્યજનક હતો તથા પ્રથમ વાર આવો કિસ્સો બન્યો હોવાનું પણ ચર્ચાયું હતું. લીલાધરભાઈએ પણ પોતાના જીવનમાં પ્રથમવાર કાળી ભેંસે સફેદ પાડીને જન્મ આપ્યો છે તેવું જણાવ્યું હતું. પ્રાગપર ગામમાં પશુપાલક લીલાધરભાઈના ઘરે સફેદ પાડીનો જન્મ થયો હોવાની વાત સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપી ફેલાતા કુતૂહલવશ થઈ પાડીને જોવા માટે પશુપાલકના ઘરે લોકોના ટોળા એકઠા થયા હતા.
