માંડવી પોલીસ મથકમાં બોલાવ્યા બાદ ફરિયાદી ગામના તલાટી કમ મંત્રી પુનશી આલા ગઢવીને માથામાં લોખંડનો પાઇપ ફટકારી પોલીસે ગંભીર ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ કરી હતી. સહાયક ફોજદાર યશવંતદાન ગઢવીએ પાઇપ વડે હુમલો કર્યો હોવાનું આળ મૂકનારા તલાટીના આરોપ બાબતે એસ.પી. સૌરભ તોલંબિયાના આદેશથી હાથ ધરાયેલી સર્વગ્રાહી તપાસમાં પોલીસ મથકના CCTVફૂટેજની તપાસ કરતા તલાટી જાતે લોકઅપના સળિયામાં માથું પછાડીને લોહી લુહાણ થયો હોવાનું દેખાયું હતું.
સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલા આ તલાટીએ આક્ષેપ કર્યો હતો કે, માંડવી પોલીસ મથકે સહાયક ફોજદાર યશવંતદાન ગઢવીએ તેને બોલાવ્યા હતા. જ્યાં ખનિજચોરી અને પવનચક્કી સહિતના મુદ્દે તેમની પૂછપરછ કરાઇ હતી. આ દરમિયાન સહાયક ફોજદારે અપશબ્દ બોલતાં તેને આવું કરવાની ના પાડતાં વાત વધી પડી હતી. તેમજ વાત હાથાપાઇ સુધી પહોંચી હતી. ત્યારબાદ યશવંતદાને તેમને માથામાં પાઇપ ફટકાર્યો હતો.
જેમાં તેને સાત ટાંકા આવ્યા હોવાનું આરોપમાં જણાવાયું હતું. આ મામલે સર્વગ્રાહી તપાસમાં CCTV ફૂટેજના આધારે દૂધનું દૂધને પાણીનું પાણી થઇ ગયું હતું. આ સમગ્ર પ્રકરણમાં ખોટો આરોપ મૂકનારા તલાટી સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી કોઈ ગુન્હો દાખલ કરાયો નથી. ભૂજ એસપી સૌરંભ તોલંબિયાનો સંપર્ક ન સાધી શકાતા વધુ વિગતો મળી શકી નહોતી.