ભૂજ ખાતે તંત્ર દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો જિલ્લા ટાસ્કફોર્સ કમિટિ, 7મી આર્થિક ગણતરી બાબતે જિલ્લા સ્તરની સંકલન સમિતિ સહિત પ્રધાનમંત્રી માતૃવંદનના યોજના (PMMVY), સંકલિત બાળ વિકાસ યોજના અને પોષણ અભિયાનની સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને બેઠકને સંબોધતાં બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ઘડાયેલા એકશન પ્લાન અનુસાર શિક્ષણ વિભાગા દ્વારા શાળાઓમાં દીકરીના નામે વૃક્ષારોપણ કરવા, વધુ કિશોરી મેળાનું આયોજન કરવા, ફાળવણી કરાયેલ ગ્રાંટનો મહત્તમ ઉપયોગ કરવા સહિતના નિર્દેશો આપી સેજાવાર નબળી કામગીરીની સમીક્ષા કરી વધુ સારી કામગીરી પાર પાડવા માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનો કચ્છમાં યોજાતાં મુખ્ય લોકમેળાઓમાં વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ તેમજ આંગણવાડીઓમાં વીજ કનેકશન, નળ કનેકશન વગેરે માળખાકીય કામોની સમીક્ષા કરી આંગણવાડીમાં ન આવતાં બાળકોનું પણ બેઝલાઇન સર્વે અનુસાર વજન કરાવવા નિર્દેશ આપ્યો હતો.
બેઠકમાં પ્રધાનમંત્રી માતૃવંદન યોજના અંતર્ગત વર્ષ 2019-20 માટે 12696ના અપાયેલા લક્ષ્યાંક મુજબ માતૃવંદના યોજનાની ગર્ભવતી મહિલાઓ અને ધાત્રીમાતાઓને ત્રણ હપ્તામાં રૂપિયા 5000નો મહત્તમ લાભાર્થી મહિલાઓને આવરી લેવા પ્રયાસો હાથ ધરવા સૂચના અપાઇ હતી.
બેઠકમાં જણાવ્યા અનુસાર કચ્છમાં 7મી આર્થિક ગણતરીનો 15મી ઓગષ્ટથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આર્થિક ગણતરી માટે બ્લોક લેવલેના વર્કશોપ સાથે 300 સુપરવાઇઝર અને 700 આર્થિક ગણતરી કરનારાઓની ટ્રેનિંગ પૂરી પડાશે. આ અગાઉ 1977, 1980, 1990, 1998, 2005 અને 2012માં આર્થિક ગણતરી હાથ ધરાઇ હતી.
બેઠકના પ્રારંભે પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા આંકડા અધિકારી રવિરાજસિંહ ઝાલાએ તાલુકા અને બ્લોકવાર ICDSની કામગીરીની પ્રગતિની પ્રેઝન્ટેશનના માધ્યમથી છણાવટ કરતાં 100 ટકા રસીકરણ, બાળકોનું સ્ક્રીનીંગ અને આરોગ્ય તપાસ, બાળકોના પોષણ સ્તરની સમીક્ષા, પૂરક પોષણ ખાદ્ય સામગ્રીના જથ્થાની નિયમિતતા અને ગુણવત્તા, આર્યન ફોલેટ ટેબ્લેટ, કેલ્શિયમ ટેબ્લેટનાં નિયમિત વિતરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, આયોજન સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.