- 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મહત્વનો યોગદાન આપનારી વિરાંગનાઓની કહાની
- યુદ્ધમાં મરીશું તો રામ લેવા આવશે અને ઘરે મરશું તો જમ લેવા આવશે: વિરાંગના
- આજે પણ અદ્ભૂત શૌર્યગાથાના 50 વર્ષે એજ જુસ્સો અને હિંમત
કચ્છ: 3 ડિસેમ્બર 1971ના શુક્રવારના દિવસે સાંજે 5:45 વાગ્યે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં રનવેને ભારે નુકસાન થયું હતું, આવી પરિસ્થિતિમાં એરસ્ટ્રિપના બાંધકામનો પ્રશ્ન ઊભો થયો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બોમ્બમારાથી રનવેને ભારે નુકસાની થઈ હતી.
રન-વે રીપેરીંગનું કામ મહિલાઓને સોંપવામાં આવ્યું
વર્ષ 1971ની ભુજમાં પાકિસ્તાન સેનાએ ચાર વખત હુમલો કર્યો અને તેના કારણે હવાઇ પટ્ટી-રનવેને મોટે પાયે નુકશાન થયુ હતુ. હવે રન-વે વિના ફાયટર પ્લેનને ઉડવું મુશ્કેલ થઇ ગયું હતુ અને તેવા સમયે એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સમયસુચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદ લેવાનું નક્કી કરીને, ભુજમાં કલેક્ટરનો સંપર્ક કર્યો હતો. કલેક્ટરે માધાપર ગામના સરપંચને વાત કરી અને ગણતરીની મીનીટોમાં નાગરિકો મદદે આવી ગયા તેમાં રનવે રીપેરીંગનું કામ મહિલાઓને સોંપવામાં આવ્યું, ત્યારે માધાપરની મહિલાઓ આગળ આવીને ચાલુ બોમ્બમારાની વચ્ચે જોડાઇ હતી અને 72 કલાકની મહેનત કરીને એરસ્ટ્રિપ તૈયાર કરીને પછી વાયુસેનાએ મોરચો સંભાળી લીધો અને પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: કર્ણાટકમાં સત્યાગ્રહ સમયની 'The Tale of Vidurashwatha" ગોળીબાર અને ધ્વજ ફરકાવવાની કહાની
300 જેટલી મહિલાઓ આ એરસ્ટ્રિપના સમારકામ માટે જોડાઈ હતી.
કલેક્ટરના કહેવાથી સરપંચ જાદવજી હીરાણી સાથે તાકીદની બેઠક યોજાઇ હતી અને ગામના અગ્રણી વી.કે. પટેલના સહયોગથી એરસ્ટ્રીપના બાંધકામનું શ્રમ કાર્ય કરતા સુંદરબાઈ જેઠા પટેલને જવાબદારી સોંપી હતી. જેનો સુંદરબાઈએ પણ તુરંત સ્વીકાર કર્યો અને સમગ્ર ગામમાં વાત ફેલાવી ર-નવેના સમારકામ માટે મહિલાઓને તૈયાર કરી હતી, તેમાં ગામની 300 જેટલી મહિલાઓ આ એરસ્ટ્રિપના સમારકામ માટે જોડાઈ હતી. ત્યારે મહિલાઓએ બોલેલા શબ્દ યુદ્ધામાં મરીશું તો રામ લેવા આવશે અને ઘરે મરશું તો જમ લેવા આવશે.
મહિલાઓ દેશ સેવા માટે તૈયાર થઇ
આ વિરાંગનાઓ પૈકીના માધાપરના 75 વર્ષીય મહિલા કાનબાઈ હીરાણી 1971ના ભુજના એરપોર્ટ માટે રનવે તૈયાર કરનારા મહિલાઓ પૈકીના એક છે. યુદ્ધમાં મરીશું તો રામ લેવા આવશે અને ઘરે મરશું તો જમ લેવા આવશે એવી દેશભક્તિની ભાવના સાથે એરસ્ટ્રિપનું સમારકામ કરવા લાગેલા મહિલા કાનબાઇએ Etv Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, યુદ્ધના દિવસો પસાર થઈ રહ્યા હતા. તેમાં કચ્છ સરહદી વિસ્તાર હોવાથી હુમલાનો ભય વિશેષ હતો એ સમય દરમિયાન રાત્રીએ લાઈટ તો શું કોઈ દીવો પણ ના પ્રગટાવી શકતા, ત્યારે ખબર પડી કે પાકિસ્તાનના પ્લેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં એરપોર્ટ અને તેનો માર્ગ બોમ્બમારામાં તોડી પાડવામાં આવ્યો છે, ત્યારે અમને સરપંચે એક હાકલ પાડી અને ગામની મહિલાઓ દેશ સેવા માટે તૈયાર થઇ ગઇ હતી.
માત્ર દિવસના અજવાળામાં કામ કરતા
પ્રથમ દિવસે તો કઈ ખાવાનું પણ મળ્યું ન હતું, રિપેરીંગનુ કામ રાત્રે તો થઈ ના શકે એટલે દિવસના અજવાળે અમે કામ કરતા હતા. તેથી ગરમ પાણી પીને પણ સતત એરસ્ટ્રિપનું કામ કરતા હતા સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમે બધા એજ કામ કરતા હતા. કંઇ ખાધા વગર મહિલાઓ કામ કરી રહી છે. તેની જાણ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોને થઈ હતી, ત્યારે આવા કપરા સમયે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સુખડી અને ફળ પહોંચાડવામાં આવ્યા અને તેને અમે સાડી અને રૂમાલમાં છેડે બાંધી રાખીને અમારી જોડે રાખતા હતા અને પાલવમાં જ રાખીને ખાતા હતા.
આ પણ વાંચો: શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની
સાયરન વાગે એટલે ઝાડ પાછળ સંતાઈ જતાં
યુદ્ધ વખતે અમને એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સૂચના આપી હતી કે, જ્યારે પણ સાયરન વાગે ત્યારે બાવળના ઝાડ પાછળ સંતાઈ જતાં તથા બંકરમાં છુપાઈ જતાં. યુદ્ધના આવા માહોલમાં મોતનો સતત ભય તોળાઈ રહ્યો હતો અને સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી રીપેરીંગ કામે વળગી જતાં હતાં. આ ઉપરાંત અમે લીલા રંગની સાડી પહેરી રાખતા જેથી ઝાડ સાથે તેનો રંગ મિક્સ થઈ જાય. 6 જેટલા પૂલિયાને પણ ગાય-ભેંસના છાણ દ્વારા લીંપણ કર્યું, જેથી દુશ્મનનાં વિમાનો હુમલો ના કરી શકે.
વીરાંગનાઓ દ્વારા એરપોર્ટ રોડથી રુદ્રમાતા ડેમ સુધીના 6 જેટલા પૂલને પણ ગાય ભેંસના છાણ દ્વારા લીંપણ કરી ઉપરથી દેખાય નહીં અને દુશ્મનના વિમાન હુમલો ન કરી શકે એ રીતે બનાવી દેવાયા હતા. તેની સાથે રન-વે બનાવવાનું કામ તો ચાલું જ હતું. જે ત્રણ દિવસમાં તૈયાર થઈ ચૂક્યું હતું, પરંતુ સંપૂર્ણ કામ થતા 5 દિવસ લાગ્યા હતા અને 8માં દિવસના બપોરે તો આપણા દેશના યુદ્ધ વિમાનો ઉડવાની શરૂઆત થઈ ગઇ હતી. તેના અઠવાડિયામાં પાકિસ્તાનને ભારતે હરાવીને મુહતોડ જવાબ આપ્યો હતો.
માધાપર ખાતે વિરાંગના સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું
વિરાંગનાઓના શોર્ય બદલ કલેક્ટર દ્વારા વિરાંગનાઓને 50 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. જે વિરાંગનાઓ દ્વારા માધાપર ખાતે વિરાંગના ભુવનના નિર્માણ માટે અર્પણ કર્યા હતા. આ ઉપરાંત 2017ની સાલમાં ભુજના એરપોર્ટ પર વિરાંગનાઓને બોલાવવા આવ્યું હતું અને ત્યારે પણ 50 હજાર રૂપિયાનું ચેક આપવામાં આવ્યું હતું. તે ચેક વિરાંગનાઓ દ્વારા માધાપર ખાતેનાં વિરાંગના સ્મારકના નિર્માણ અર્થે આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ભુજના ટાઉનહોલ ખાતેનાં પ્રોગ્રામમાં ગોકુલા ટ્રસ્ટ દ્વારા 11,000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. તે પણ વિરાંગના સ્મારકના નિર્માણ માટે આપવામાં આવ્યું હતો. માધાપર ખાતે 54 લાખના ખર્ચે વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતુ.
સરકાર વિરાંગનાઓની પૂછાં પણ નથી કરતી: વિરાંગના
આ ઉપરાંત અન્ય વિરાંગના એવા મહિલા કે જેમણે પણ પોતાનો મહત્વનો યોગદાન 1971ના યુધ્ધમાં આપ્યું હતું તેવા સામબાઈ ખોંખાણીએ etv bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમે સરકાર અને દેશ માટે ઘણું બધું કર્યું પરંતુ સરકાર દ્વારા 300 મહિલાઓ વચ્ચે માત્ર 50 હજાર રૂપિયાનું જ ઈનામ આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત ક્યારેક કોઈક પ્રોગ્રામ હોય ત્યારે અમને બોલાવે અને સન્માન કરે અને સાલ આપી દે. અમને સરકારે બીજું કઈ આપ્યું નથી અને પૂછા પણ નથી કરી.ઉપરાંત 2001ના ભૂકંપમાં પણ સરકારે વિરાંગનાઓની પુછા પણ ના કરી કે
વિરાંગનાઓની હાલત શું છે.
આ પણ વાંચો: રણછોડ રબારી: પગચિહ્ન ઓળખવાની વિશેષ શક્તિ ધરાવતા ભારત-પાક.ના યુદ્ધના મહત્વના હીરો "પગી"
આજે પણ જો દેશને અમારી જરૂર હશે તો અમે તૈયાર છીએ
યુદ્ધના સમયે 300 જેટલી વિરાંગનાઓ હતી. જેમાંથી આજે 47 જેટલી વિરાંગનાઓ હયાત છે. જેમાંથી અમુક વિદેશમાં છે તો 22-23 જેટલી વિરાંગનાઓ જ હવે બરાબર રીતે ચાલી શકે છે. આ ઉપરાંત વિરાંગનાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુદ્ધના સમયે અમારી ઉંમર 22-25 વર્ષ હતી. આજે જ્યારે 70-75 વર્ષના થઈ ગયા છીએ બીજું તો અમારાથી કઈ થાય નહીં પરંતુ જો આજે પણ દેશને અમારી જરૂર પડી તો અમે ખડે પગે ઊભા રહીને અમારા પછીની પેઢીને સલાહ સૂચન આપી કાર્ય કરીશું. આમ આજે પણ અદ્ભૂત શૌર્યગાથાના 50 વર્ષે એજ જુસ્સો અને હિંમત આજે પણ વિરાંગનાઓમાં જોવા મળી રહ્યો છે.
વિરાંગનાઓની કહાની પર "ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ" બની
આ વિરાંગનાઓની કહાની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મ 1971ના 50 વર્ષે ઓટોટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. ભુજ "ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા" હિન્દી ફિલ્મ માત્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ફિલ્મમાં માધપરની વિરાંગનાઓ બહેનોએ 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં કરેલી અદ્ભુત કામગીરી દર્શાવવામાં આવી છે. ખૂબ જ મહેનત સાથે બનાવેલી આ ફિલ્મ દેશ પ્રેમની વાત કરતી અતિ સુંદર ફિલ્મ છે. એ ફિલ્મથી કચ્છનું નામ દેશ વિદેશમાં વધુ પ્રસિદ્ધિ પામશે.